આઝાદીના આટલા વર્ષો પછી પણ મોટા ભાગના ગામોમાં એસટી બસ આવતી નથી ટંકારા : આઝાદીના અમૃતકાળની વાતો વચ્ચે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સેવાની સ્થિતિ અત્યંત દયનીય અને 'શૂન્ય' જેવી જોવા મળી રહી છે. નવાઈની વાત એ છે કે, જે ગામોમાં રોજિંદા મુસાફરો માટે બસના દર્શન દુર્લભ છે, ત્યાં નેતાઓની સભા કે ગરીબ કલ્યાણ મેળા વખતે એસ.ટી. બસોનો મેળો જામી જાય છે. જનતામાં હવે એવો ગણગણાટ શરૂ થયો છે કે, 'ગામના પાદરે બસ આવે એટલે સમજી લેવું કે કાં તો નેતાની સભા હશે અથવા કોઈ સરકારી તાયફો!'ટંકારા તાલુકાના રાજાવડ, લખધીરગઢ, નસીતપર, જોધપર (ઝાલા), હડમતિયા, હમીરપર, કલ્યાણપર, જીવાપર, હરબટીયાળી, નેસડા (સુ), હીરાપર, સખપર, ભૂતકોટડા, હરિપર, સાવડી, છતર, વાછકપર, ખાખરા, જબલપુર, નાના રામપર, ઉમીયાનગર, મહેન્દ્રપુર, ગણેશપર, વિરવાવ, ઘોલિયા અને શક્તિનગર જેવા અનેક ગામોમાં એસ.ટી. બસ સેવા માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું લાગે છે. માત્ર ગજડી રૂટને બાદ કરતાં સમગ્ર તાલુકામાં એસ.ટી. તંત્ર નિષ્ક્રિય છે.બંગાવડી રૂટની હાલત તો વધુ ગંભીર છે. મોરબીથી વહેલી સવારે ખાલી બસ આવે છે અને પરત ફરતી વખતે વિદ્યાર્થીઓથી એટલી હકડેઠઠ ભરાય છે કે પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે તે મોટો પ્રશ્ન છે.મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓની સરખામણીએ ટંકારા સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નબળી નેતાગીરીના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પાયાના પ્રશ્ને રજૂઆત કરવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રજાની સહન કરવાની શક્તિ અને ફરિયાદ ન કરવાની આદતનો તંત્ર ગેરલાભ ઉઠાવી રહ્યું છે. 'અમને આશ્ચર્ય થાય છે કે જ્યારે સભા હોય ત્યારે રાતોરાત બસો ક્યાંથી આવી જાય છે? શું એસ.ટી. નિગમ માત્ર નેતાઓની ભીડ ભેગી કરવા માટે જ છે? સામાન્ય જનતાના ટેક્સના પૈસાથી ચાલતી આ સેવા જનતા માટે કેમ નથી?