એસપી કચેરી, કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતના ગેટ ઉપર પોલીસની ડ્રાઇવ : અલગ અલગ વિસ્તારોમાં અને કચેરીઓમાં એક મહિના સુધી ડ્રાઇવ ચાલુ રહેશેમોરબી : મોરબીમાં ટ્રાફિક નિયનોનું ચુસ્ત પાલન કરાવા જિલ્લા પોલીસ વડા દ્વારા સરકારી કચેરીઓથી જ પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે સરકારી કચેરીઓ ખાતે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં હેલ્મેટ ન પહેર્યું હોય તેવા અને સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેવા વાહનચાલકોને દંડવામાં આવી રહ્યા છે. આ અંગે વિગતો આપતા જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા જણાવાયુ કે જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી અને એસપી કચેરીના પોઇન્ટ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. પહેલા ઘરથી જ નિયમોની અમલવારી કરાવવામાં આવી રહી છે. હેલ્મેટ ન પહેર્યા હોય તેવા કર્મચારીઓને નિયમોનુસાર દંડ ફટકારવામાં આવી રહ્યો છે. સરકારી કચેરીઓમાં નોકરી કરતા કર્મચારીઓ હેલ્મેટ પહેરતા થાય જેથી સમગ્ર શહેરના લોકો પણ હેલ્મેટ પહેરતા થાય તેવો ઉદ્દેશ છે. વધુમાં એસપીએ ઉમેર્યું કે ગયા વર્ષે મોરબીમાં 186 અકસ્માત થતા હતા. જેમાં 213 લોકોનું મોત થયું હતું. ઓછા પ્રમાણમાં જાનહાની થાય તે માટે ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રાફિક ઝુંબેશ અલગ અલગ વિસ્તારોમાં અને વિવિધ સરકારી કચેરીઓમાં એક મહિના સુધી ચાલુ રહેવાની છે. આજે સરકારી કચેરીઓ ખાતેની ઝુંબેશમાં અનેક સરકારી કર્મચારીઓ દંડાયા હતા. ઉપરાંત આ ડ્રાઇવની વાત પ્રસરતા ઘરેથી હેલ્મેટ લીધા વગર નીકળેલા અમુક કર્મચારીઓ તો થોડે દુર બાઇક રાખી ચાલીને કચેરીમાં પ્રવેશ્યા હતા. વધુમાં એક આશાવર્કર સ્કૂટર લઈને આવેદનના કામે આવ્યા હતા. તેઓએ પણ હેલ્મેટ ન પહેર્યું હોવાથી પોલીસ દ્વારા રૂ.500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.