વાંકાનેર : ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી પી.એચ. સી.ના જોધપર આયુષ્માન આરોગ્ય મંદિરોને નિયત 12 ગુણવત્તાસભર સેવાઓ માટે 89.61 ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવતા અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શીત કરે છે.મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના જોધપર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ જેવી માતૃત્વ સબંધિત સેવાઓ, બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટુંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ જેવી બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી, દર્દી કેન્દ્રિત સેવાઓની ઉપલબ્ધ્તાઓ, સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી સહિત જરૂરી તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી અનુસંધાને આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે.આ સિદ્ધિ આરોગ્ય કેંદ્રોમાં સારા મેનેજમેન્ટ, સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું પરિણામ છે અને ભવિષ્યમાં પણ કોઠી PHC અન્ય વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો નેશનલ લેવલે પ્રમાણિત થાય તે માટે કાર્યવાહી ચાલુ છે. આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારણા કરી અને આ પ્રકારના ગુણવતા માપદંડો પ્રાપ્ત કરે તે માટે સરકાર અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયત્નો સતત ચાલુ રહેશે.આ તકે જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયા, વાંકાનેર તાલુકા આરોગ્ય અધિકારી ડો.આરીફ શેરશિયા અને, મેડિકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવાર દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરના તમામ સ્ટાફ્ને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.