બે વર્ષ પૂર્વે શ્રમિકે ખેડૂતની હત્યા કરી લાશ શેઢે ફેંકી દીધી હતી : શ્રમિકની પત્નીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાઇમોરબી : માળિયા મિયાણાના રોહિશાળામાં બે વર્ષ પૂર્વે શ્રમિકે ખેડૂતની હત્યાના કર્યાના પ્રકરણમાં કોર્ટે શ્રમિકને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે શ્રમિકની પત્નીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાઈ છે.માળીયા મિયાણાના રોહીશાળા ગામના ચંદુભાઈ કાલરીયાએ 1 ડિસેમ્બર 2023માં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ પરેશભાઈ કલારીયાની હત્યા કરી લાશને વાડીના શેઢે ફેકી દીધેલ છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયાના ખેતરમાં કામ કરતા આરોપીઓ રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બંધેલ અને તેની પત્ની રાજબાઈની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓને પરેશભાઈએ જમીન વાવવા આપી હતી અને તેઓ રાજબાઈ સમક્ષ બીભત્સ માંગણીઓ કરતા હોય તેથી રાજબાઈએ કામે આવવાનું બંધ કરી દીધું હતું. બાદમાં પરેશભાઈએ રાજબાઈને કામે મોકલવા રાકેશને જણાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રાકેશએ પરેશભાઈનાં માથા પર પાવડા વડે વાર કર્યો હતો તેઓ પડી જતા આરોપીએ છરીથી ગળાનાં ભાગે ઘા મારી જીવલેણ ઇજાઓ કરી મોત નીપજાવ્યું હતું અને બાદમાં આરોપીઓએ ભેગા મળી લાશને ખેતરના શેઢે ફેકી દીધી હતી.આ કેસમાં કોર્ટે આરોપી રાગેશ ઉર્ફે રાકેશને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે રાજબાઈને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે સંજય દવે રોકાયા હતા.