એક કિસ્સામાં ખોવાયેલ બાળકનું માતા સાથે મિલન કરાવ્યુ, બીજા કિસ્સામાં દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું વાંકાનેર: વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા છેલ્લા દિવસોમાં સંવેદનશીલતા અને અસરકારકતાના બે મહત્વપૂર્ણ ઉદાહરણો પૂરા પાડવામાં આવ્યા છે. કેન્દ્રના મહિલા કાઉન્સેલર તેજલબા ગઢવીની સફળ મધ્યસ્થીના કારણે એક વિધવા મહિલાને તેના બાળકો પરત મળ્યા છે અને એક રિસામણે ગયેલા દંપતી વચ્ચે સમાધાન પણ થયું છે.વાંકાનેર તાલુકાની એક પીડિત વિધવા મહિલાએ તેના પતિના અવસાન બાદ તેના સાસુ-સસરા દ્વારા બળજબરીપૂર્વક બાળકોને રાખી લેવામાં આવતા મહિલા સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. મહિલા પોતાના બાળકોની સંભાળ લેવા તેમજ તેમને મળવા માટે મુશ્કેલી અનુભવી રહી હતી. આ કેસમાં કાઉન્સેલર તેજલબા ગઢવીએ સંવેદનશીલતા સાથે કાનૂની જોગવાઈઓ અને બાળકના હિતને કેન્દ્રમાં રાખીને બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું હતું. સતત પ્રયાસોના અંતે, વિધવા માતાને તેના બાળકો યોગ્ય રીતે પરત અપાવવામાં આવ્યા, જેનાથી મહિલાએ રાહત અનુભવી હતી. આ સફળ કામગીરીમાં સુરેન્દ્રનગરના મહિલા સરપંચ તથા 181 મહિલા અભયમનો પણ સહકાર મળ્યો હતો.આ ઉપરાંત, મહિલા સહાયતા કેન્દ્ર વાંકાનેર ખાતે પુરુષ પક્ષની અરજીના આધારે એક દંપતી વચ્ચે સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહિલા ઘરેલુ મતભેદના કારણે પોતાના 3.5 વર્ષના બાળકને મૂકીને રિસામણે ચાલી ગઈ હતી. કાઉન્સેલર તેજલબા ગઢવી દ્વારા બંને પક્ષોને હાજર રાખી, તેમને માતૃત્વની જવાબદારી, બાળકના હિત અને પરિવારના ભવિષ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાનૂની જોગવાઈઓ અને પારિવારિક સુમેળ જળવાઈ રહે તે હેતુથી કરવામાં આવેલી સમજણપૂર્વકની કાર્યવાહી બાદ દંપતી વચ્ચે સમાધાન થયું હતું અને તેઓ ફરી એકજૂટ થયા હતા. આ કેસમાં પણ સુરેન્દ્રનગર 181 મહિલા અભયમની ટીમનો સહકાર મળ્યો હતો.