મોરબી: મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે અગ્રેસર એવી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજની બે તેજસ્વી વિદ્યાર્થિનીઓ - વાંક ધારા જયેશભાઈ અને રૂપારેલિયા ખુશી - એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60મા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યા છે. ધારા જયેશભાઈએ Master of Commerce (એકાઉન્ટન્સી) વિદ્યાશાખામાં, જ્યારે રૂપારેલિયા ખુશીએ Bachelor of Computer Science (સ્નાતક) વિદ્યાશાખામાં આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓમાં કોમર્સ અને કમ્પ્યુટર સાયન્સ વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. આટલી વિશાળ સ્પર્ધામાં સામાન્ય પરિવારની આ બંને દીકરીઓએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર માત્ર પોતાના આપબળે યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે, જે ખરેખર ખૂબ જ મુશ્કેલ ગણી શકાય. આ સિદ્ધિ બદલ બંને વિદ્યાર્થિનીઓને કુલાધિપતિ (રાજ્યપાલ), કુલપતિ અને રાજ્યના શિક્ષણમંત્રીની હાજરીમાં ગોલ્ડ મેડલ અને બેચરલ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ધારા અને ખુશીએ યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ અને મોરબી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને સંસ્થા, કોલેજ અને પોતાના પરિવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે.કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, વાણિજ્ય વિદ્યાશાખાના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા સહિત સર્વે કોમર્સ અને કમ્પ્યુટર સાયન્સના સ્ટાફગણે ધારા અને ખુશીને તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર ઉન્નતિ કરવાની શુભકામના પાઠવી છે.