મોરબી: મોરબી આઈસસ્ટોક સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ગત તારીખ 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘ગુજરાત સ્ટેટ આઈસસ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના 10 અલગ-અલગ જિલ્લાઓમાંથી કુલ 80 જેટલા રમતવીરોએ U-16, U-19, U-23 અને ઓપન એજ ગ્રુપ જેવી વિવિધ કેટગરીમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું.સ્પર્ધાના અંતે આયોજિત મેડલ સેરેમની (ઈનામ વિતરણ કાર્યક્રમ) માં શહેરના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરતભાઈ અમૃતીયા, વિશેષ અતિથિ તરીકે જયેશભાઈ ગામી, પરેશભાઈ પારીયા, વિકાશ કુમાર વર્મા, રવિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનેલા તમામ ખેલાડીઓ હવે આગામી 23 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાનારી 'આઈસસ્ટોક સ્પોર્ટ્સ વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપ' માં ગુજરાત વતી રમવા જશે. ઉપસ્થિત તમામ મહેમાનોએ વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી.