ડ્રગ ડિટેક્શન ટેસ્ટ કિટ અને બ્રેથ એનાલાઇઝર દ્વારા નશાખોરોને પકડી લેવામાં આવશે, સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસની ચાપતી નજર રહેશેમોરબી: આગામી 31 ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને સમગ્ર મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે બંદોબસ્તમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 18 પીઆઇ અને અંદાજે 550 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમની સાથે ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ જોડાયા છે. તમામ પોલીસ સ્ટેશનોમાં પીઆઇ અને પીએસઆઇની સંયુક્ત ટીમો કાર્યરત છે, જ્યારે મોરબી શહેરમાં અલગથી છ ટીમો બનાવવામાં આવી છે, જેમાં પ્રત્યેક ટીમમાં પીઆઇ સાથે 20 થી 30 જેટલા કર્મચારીઓનો સ્ટાફ રહેશે.વધુમાં જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના જણાવ્યા અનુસાર ગઈકાલથી જ વાહન ચેકિંગની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે અને ટીમો દરરોજ અલગ-અલગ સ્થળોએ ચેકિંગ કરશે. આ ટીમોમાં એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, એએચટીયુ, મહિલા અને સી ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ફેન્સી નંબર પ્લેટ, મોડિફાઈડ સાઇલેન્સર અથવા નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલર્સ તેમજ કાળા કાચવાળી અને ફેન્સી નંબર પ્લેટવાળી ફોર-વ્હીલર્સને ટાર્ગેટ કરવામાં આવશે.નશાકારક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા લોકોને પકડવા માટે આ વખતે અલગથી ડ્રગ ડિટેક્શન ટેસ્ટ કિટનો ઉપયોગ કરવામાં આવશે. બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ સેવન કરેલા નશાકારક પદાર્થોની તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત, એસઓજી અને એલસીબીને જિલ્લાના તમામ ફાર્મ હાઉસનું સઘન ચેકિંગ કરવાનો ખાસ ટાસ્ક આપવામાં આવ્યો છે, જે રાત્રિ દરમિયાન પણ ચાલુ રહેશે.જાહેરમાં ફટાકડા ફોડવા, વાહનો પર સ્ટન્ટ કરવા કે અન્ય કોઈ જાહેર ત્રાસદાયક કૃત્ય કરનારાઓ વિરુદ્ધ ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાશે ત્યાં પોલીસ દ્વારા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. મોરબી શહેરમાં લાગેલા 'નેત્રમ' પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટની સાથે સાથે કોઈપણ કાયદા વિરુદ્ધના કૃત્ય પર પણ સતત નજર રાખવામાં આવશે.સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફરતા અથવા નશાકારક ચીજ વસ્તુઓનો દેખાવ કરતા લોકો પર સાયબર ક્રાઇમ સેલના પીઆઇ દ્વારા સોશિયલ મીડિયા મોનીટરીંગ કરવામાં આવશે અને ગુના દાખલ કરવામાં આવશે. નૂતન વર્ષના ઉન્માદમાં કોઈ ગેરકાયદેસર કૃત્ય ન થાય તે માટે પોલીસ 1લી જાન્યુઆરીની રાત્રે 2:00 વાગ્યા સુધી ખડે પગે બંદોબસ્તમાં રહેશે.આજરોજ મોરબી બાયપાસ ઓવરબ્રિજ પાસે ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી, જેમાં કાળા કાચ, ત્રણ સવારી, લાઈસન્સ અને વીમા જેવી બાબતોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોનું ભંગ કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો અને કાળા કાચવાળી ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ હટાવવામાં આવી હતી.પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષના સ્વાગત દરમિયાન કોઈ ત્રાસદાયક કૃત્ય ન કરે, નશાકારક પદાર્થોનું સેવન ન કરે કે જાહેરમાં સ્ટન્ટ ન કરે, જેથી કોઈ અન્ય વ્યક્તિને હેરાન-પરેશાન ન થવું પડે. આવું કૃત્ય કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.તેમણે સાયબર ક્રાઇમથી બચવા માટે પણ ચેતવણી આપી છે કે નવા વર્ષના શુભેચ્છા મેસેજ અથવા ગિફ્ટના નામે આવતી APK ફાઇલો કોઈ અજાણ્યા નંબર પરથી આવે તો ડાઉનલોડ ન કરવી, અન્યથા એકાઉન્ટમાંથી પૈસા સાફ થઈ જઈ શકે છે. મોરબીની જાહેર જનતાને ઉન્માદ વગર, હર્ષોઉલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષનું સ્વાગત કરવા અપીલ કરવામાં આવી છે.