એલસીબી ટીમે દરોડા પાડી એક આરોપીને 89 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધો, બે ફરારમોરબી : મોરબીના લીલાપર ગામની સીમમાં નદી કાંઠે મોટા પ્રમાણમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી બે અલગ અલગ ભઠ્ઠી ઝડપી લઈ ભઠ્ઠી ચલાવતા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે, બન્ને ભઠ્ઠી માલિક હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી 89 હજારથી વધુના મુદ્દામાલ સાથે 160 લીટર દેશી દારૂ કબ્જે કરાયો હતો.પ્રથમ દરોડામાં એલસીબી ટીમે લીલાપરમાં કાળીપાટ નજીક વોકળા કાંઠે દરોડો પાડી આરોપી સંજય નાગજીભાઈ દેગામાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ભઠ્ઠી ચલાવતા આરોપી તુલસી રણછોડભાઈ પરમાર રહે.હાલ લીલાપર મૂળ રહે.સરવડ માળીયા મિયાણા વાળાને ઝડપી લઈ ઠંડો, ગરમ આથો 400 લીટર, દેશી દારૂ 70 લીટર તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 26,700નો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે લીલાપર સીમમાં કાળીપાટ વિસ્તારમાં ઢોર બાંધવાના ડેલામાં દરોડો પાડી આરોપી રણજીત નાગજીભાઈ દેગામાની દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી આરોપી તુલસી રણછોડભાઈ પરમાર રહે.લીલાપર, મૂળ રહે.સરવડ, માળીયા વાળાને 600 લીટર ઠંડો, ગરમ આથો, 90 લીટર દેશી દારૂ, અખાદ્ય ગોળના 26 ડબ્બા તેમજ ગેસ, ચૂલા, બર્નર, ખાલી બેરલ સહિતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 62,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.