રાજપૂત કરણી સેનાના પ્રમુખની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત મોરબી: મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલા સબ જેલથી લીલાપર ચોકડી સુધીના રોડની અત્યંત બિસ્માર હાલતને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરના મોટા ખાડાઓને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં રાજપૂત કરણી સેના, મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજા (શાપર) દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે આ રોડ વેપાર-ધંધા અને બજારની ખરીદી માટે લોકોની અવરજવરનો મુખ્ય માર્ગ છે. રોડની હાલત એટલી ખરાબ છે કે દરરોજ કોઈ ને કોઈ નાગરિક અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રવિરાજસિંહ જાડેજાએ સવાલ ઉઠાવ્યો છે કે, 'શું કોર્પોરેશન કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે?' તેમણે યાદ અપાવ્યું હતું કે જ્યારે આ વિસ્તાર જિલ્લા પંચાયતના R&B વિભાગ હેઠળ હતો, ત્યારે નિયમિત સમારકામ થતું હતું, પરંતુ મહાનગરપાલિકામાં ભળ્યા પછી લોકો હાલાકી વેઠી રહ્યા છે.પ્રમુખે તાત્કાલિક ધોરણે આ રોડનું નવીનીકરણનું કામ શરૂ કરવા અપીલ કરી છે. જો નવીનીકરણના કામમાં વિલંબ થાય તેમ હોય, તો પણ હાલ પૂરતું મરામત કરાવીને માર્ગને વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માંગણી કરી છે. તેમજ જો 15 જાન્યુઆરી સુધીમાં આ રોડ પર કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.