નશો કરશો તો અમે તમારા સ્વાગત માટે તૈયાર છીએ, જાહેરમાં ફટકડા ફોડવા હોય કે ત્રાસદાયક કૃત્ય કરવું હોય તો જેલમાં જવાની તૈયારી રાખજો : જિલ્લા પોલીસ વડામોરબી : મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. આજે સાંજથી જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં અનેક જગ્યાએ કડક વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે થર્ટી ફર્સ્ટને અનુસંધાને જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનની એક એક ટિમ બનાવી છે. દરેક ટીમમાં પીઆઇ સહિત 20થી 25નો સ્ટાફ હશે. આવી કુલ 6 ટિમો બનાવી છે. જેઓ દ્વારા કડક ચેકીંગ કરવામાં આવશે. હાલ ગોડાઉન ચેક કરવામાં આવી રહ્યા છે. રેસ્ટોરન્ટ, હોટેલ, ઢાબામાં પણ રાત્રીના સમયે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. થર્ટી ફર્સ્ટ અને 1 જાન્યુઆરીએ આજ પ્રકારનું ચેકીંગ થશે. કોઈ પણ પીધેલા હશે તો સીધા જેલમાં જશે. કોઈ સ્ટંટ કે અજુગતું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં એસપીએ જણાવ્યું કે લોકો નવા વર્ષની શાંતિપૂર્ણ ઉજવણી કરે. નશો ન કરે, નહિતર અમે તમારૂ સ્વાગત કરવા તૈયાર છીએ. જાહેરમાં ફટાકડા કે ત્રાસદાયક કૃત્ય ન કરશો નહિતર નવું વર્ષ જેલમાં કાઢવાની તૈયારી રાખજો.