લીલાપર કેનાલ રોડ કોની ઓથોરિટીમાં આવે ? તે મામલે મનપા અને R&Bની એકબીજાને ખો મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી બજરંગ સર્કલ તેમજ લાડલી પાર્ટી પ્લોટ પાસે આવેલા નાલા નજીક નિયમોનુસાર સ્પીડ બ્રેકર બનાવવા બાબતે મોરબી મહાનગરપાલિકા તેમજ માર્ગ અને મકાન વિભાગ એકબીજાને ખો આપી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. સમસ્ત બોરીયાપાટી વિસ્તારના રહીશોએ આ મામલે આજ રોજ મોરબી મહાનગરપાલિકાને લેખિત અરજી આપી હતી અને જણાવ્યું હતું કે બોરીયાપાટી બજરંગ સર્કલ પાસે તેમજ લાડલી પાર્ટી પ્લોટ પાસે આવેલા નાલા પાસે 24 ડિસેમ્બરના રોજ રાત્રે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા. બે દિવસમાં એટલે કે 26 ડિસેમ્બરના રોજ રાત્રે સ્પીડ બ્રેકર તોડી નાખવામાં આવ્યા છે. જે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા તે આડેધડ બનાવી નાખવામાં આવ્યા હતા. જેને કારણે અનેક અકસ્માત પણ સર્જાયા હતા. બોરીયાપાટી બજરંગ સર્કલ પાસે શાળા આવેલ હોય તેમજ લાડલી પાર્ટી પ્લોટ પાસે આવેલા નાલા પાસે પણ શાળા, બાલમંદિર અને અર્બન હેલ્થ સેન્ટર હોવાથી બંને જગ્યાએ નિયમોનુસાર સ્પીડ બ્રેકર બનાવવા ખૂબ જ જરૂરી છે. જોકે આ રજૂઆત લઈને મોરબી મહાનગરપાલિકા ખાતે પહોંચેલા રહીશોને કમિશનરે જણાવ્યું હતું કે, લીલાપર કેનાલ રોડ મોરબી મહાનગરપાલિકાની ઓથોરિટીમાં આવતો નથી તેથી તેમાં અમે કશું કરી શકે નહીં અને આ બાબતે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. જેથી રહીશો ત્યાંથી માર્ગ અને મકાન વિભાગ ખાતે પહોંચ્યા હતા જ્યાં ચીફ એન્જિનિયર રૂબરૂ ન મળતા સિનિયર ક્લાર્કને આ અરજી બાબતે મળ્યા હતા. જોકે સિનિયર ક્લાર્ક દ્વારા રહીશોને કહેવામાં આવ્યું હતું કે, લીલાપર કેનાલ રોડ માર્ગ અને મકાન વિભાગની ઓથોરીટીમાં આવતો નથી તે મહાનગરપાલિકાની ઓથોરિટીમાં આવે છે. જેથી રહીશોએ આ બાબતનો પરિપત્ર માંગ્યો હતો પરંતુ પરિપત્ર આપવાનો ઇનકાર કરી દીધો હતો. આમ મોરબી મહાનગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ એકબીજાને ખો આપતા રહેશોને ફરિયાદ લઈને ક્યાં જવું તે બાબતે કંઈ સમજાતું નથી. આમ બંને તંત્રની વચ્ચે રહીશો અટવાયા છે અને આ સ્પીડ બ્રેકર કોણ બનાવશે તે પણ પ્રશ્ન ઉભો થયો છે.