મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા, સંજય સોની સહિતના પણ બાળકો સાથે રમતમાં જોડાયામોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 અન્વયે ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે સરદારબાગ ખાતે મસ્તી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું, આધુનિક સમયમાં બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે, જેને છોડી એક દિવસ બાળકો જૂની રમતો રમતા થાય તેવા હેતુ સાથે મહાનગરપાલિકાએ મસ્તી સ્ટ્રીટનું આયોજન કર્યું હતું.મોરબી મહાનગરપાલિકાએ સફળતાપૂર્વક એક વર્ષ પરિપૂર્ણ કર્યું છે, જેના સંદર્ભે ઉજવણી સપ્તાહ MMC@1નું આયોજન કમિશનરના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું છે. જેમાં જૂની રમતોને જીવંત કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ઉજવણી સપ્તાહ દરમિયાન સરદાર બાગ ખાતે મસ્તી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના બાળકો- યુવાનો, શહેરીજનો ઉત્સાહપૂર્વક વિવિધ જૂની રમતોમાં બહોળા પ્રમાણમાં જોડાયા હતા. લંગડી, ધમાલિયો ધોકો, કોથળા દાવ, આંધળો પાટો, ભમરડો, લીંબુ ચમચી સહિતની રમતો રમાડવામાં આવી હતી, બાળકો મોબાઈલ, ટેલિવિઝન, વિડીયો ગેમ્સથી દૂર અંગ કસરત અને જૂની રમતો તરફ પાછા વળે તેવા આશય સાથે મસ્તી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા, નાયબ કમિશનર સંજય સોની ઉપસ્થિત રહ્યા હતા. તમામ જુની રમતોમાં બાળકો સાથે તેઓ પણ જોડાયા હતા અને જુની રમત રમતા બાળકોના ઉત્સાહમાં મનપાના અધિકારીઓએ વધારો કર્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.