ટ્રાફિક પોલીસ હાજર હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરતી હોવાની રાવ મોરબી : મોરબી નજીક લાલપર પાસે નેશનલ હાઇવે પર રોંગ સાઈડમાં આવતા ભારે વાહનોને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ત્યાં હાજર પોલીસ દ્વારા પણ આવા વાહનો સામે કોઈ કાર્યવાહી ન થતી હોવાની રાવ ઉઠી છે. આજે એક જાગૃત નાગરિક પોતાની કાર લઈને જતા હતા ત્યારે તેઓએ એક રોંગ સાઈડમાં આવતા ટ્રકને અટકાવી તેને પાછો વાળ્યો હતો. વધુમાં તેમના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં રોંગ સાઈડમાં આવતા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા છાસવારે સર્જાય છે. અહીં ઘણીવાર ટ્રાફિક પોલીસ ફરજ ઉપર હોય છે. પણ આવા રોંગ સાઈડમાં આવતા વાહનો સામે કાર્યવાહી કરવાની તસ્દી પણ લેતી નથી. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે.