ટંકારા : ટંકારા તાલુકાના મીતાણાથી નેકનામ તરફ જતો માર્ગ હાલ વાહનચાલકો માટે જોખમી બની ગયો છે. આ રોડ પર 'ઊંટની પીઠ' સમાન અસંખ્ય મસમોટા ખાડાઓને કારણે છેલ્લા પાંચ દિવસમાં 6 થી 7 નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. તંત્ર દ્વારા આ માર્ગને જામનગર જવાના વૈકલ્પિક રસ્તા તરીકે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ રસ્તાની જાળવણીના અભાવે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે.આ અંગે સામાજિક અગ્રણી દીપક વ્યાસે જણાવ્યું હતું કે, ગત રાત્રે 8 વાગ્યાની આસપાસ એક બાઈક સવાર આ ખાડાઓને કારણે સ્લીપ થઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે તાત્કાલિક પડધરી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. દરરોજ સર્જાતા અકસ્માતના કારણે રાહદારીઓમાં ભયનું લખલખું પ્રસરી જવા પામ્યું છે. ટંકારા થી લતીપર હાઈવે પર ખાખરા ગામ પાસે બ્રિજ રિપેરિંગની કામગીરી ચાલતી હોવાથી તે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે તંત્રએ મીતાણા-નેકનામ રોડને ડાયવર્ઝન (વૈકલ્પિક માર્ગ) તરીકે જાહેર કર્યો છે. એટલે હજારો વાહનો આ બિસ્માર રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે અને દૂર્દશામાં વધારો થયો છે. ખરાબ રસ્તો હોવા છતાં તંત્ર દ્વારા ખાડા પુરવાની તસ્દી પણ લેવામાં આવી નથી. સ્થાનિકો અને રાહદારીઓમાં તંત્રની 'અવળચંડાઈ' સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે, જો નવો રોડ અત્યારે શક્ય ન હોય તો તાત્કાલિક ડામરથી પેચ વર્ક કરવામાં આવે. ખાડાઓને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી થાય. ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રસ્તાની સુરક્ષા વધારવામાં આવે. જો આગામી સમયમાં આ માર્ગનું સમારકામ કરવામાં નહીં આવે, તો હજુ પણ મોટા અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સમસ્યાને લઈને સ્થાનિક નેતાઓ સામે પણ જન આક્રોશ જોવા મળી રહ્યો છે.