જીવિત બાળકને દાટી દેવામાં આવ્યાની શંકા ખોટી ઠરી : શ્રમિક પરિવારને ત્યાં મૃત બાળક જન્મતા તેને ત્યાં દફનાવવામાં આવ્યું હતુંહળવદ : હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ જંગલમાંથી જમીનમાં દાટેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ બાદ સામે આવ્યું છે કે આ બાળકનું મૃત્યુ થયા બાદ શ્રમિક પરિવારે ત્યાં તેની દફનવિધિ કરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ દિઘડીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ જંગલમાં તા. 25 ડિસેમ્બરના રોજ બપોરના સમયે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વ્યક્તિને જમીનમાં કંઈક દાટેલું હોવાની શંકા જતા તેને ફોરેસ્ટના અધિકારીને જાણ કરી હતી જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા પોલીસનો સંપર્ક કરી ઘટના સ્થળે પહોંચી ખોદકામ કરતા ચૂંદડીમાં ડાટેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા નવજાત શિશુનો કબજો લઈ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી આ નવજાત શિશુને જંગલ વિસ્તારમાં કોણ દાટી ગયું તેની તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં માલુમ પડ્યું કે અહીં નજીકમાં જ રહેતા એક શ્રમિક દંપતિને ત્યાં હોસ્પિટલમાં આ બાળકનો જન્મ થયો હતો. જો કે બાળક મૃત જન્મતા આ શ્રમિક દંપતિએ જંગલ વિસ્તારમાં તેની અંતિમ વિધિ કરી હતી. આમ આ બાળક જીવિત દાટવામાં ન આવ્યુ હોવાનું ખુલતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.