મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામના અને હાલ મોરબી રહેતા સગર્ભાએ ગર્ભ સંસ્કાર માટે કાપડમાં ભગવત ગીતાના 700 શ્લોક લખી ધાર્મિક પ્રતિકો થકી એક અનોખી કેડી કંડારી છે.ભડીયાદ ગામના શિક્ષિત અઘારા પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે. પુસ્તક અને પ્રકૃતિ સાથે પ્રેમાળ પુત્રવધુ જીંકલબેન ચિંતનભાઈ અઘારા જેઓ હાલ સગર્ભા હોય ગર્ભ સંસ્કાર અવસ્થામાં મોબાઈલ, ઇન્ટરનેટ કે અન્ય ઈત્તર પ્રવૃત્તિ કરવાને બદલે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી રહ્યા છે. જેનાથી તેમનું આવનારું બાળક સશક્ત, બુદ્ધિશાળી, ગુણવાન અને કરુણાસભર બની સમાજના હિતમાં અને હક્કમાં હંમેશા અગ્રેસર રહે. જીંકલબેન ભગવદ ગીતાના શ્લોકમાં ગરકાવ થઈને વાંચન વેળાએ 700 શ્લોક કાપડમાં કલમ વડે કંડારી ગર્ભમાં રહેલ બાળક સાથે સંવાદનો સિલસિલો શરૂ કર્યો છે. બાળકના આગમન તૈયારીના કપડા, પારણું, મોજા સહિતના કાપડમાં ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક વૈચારિક ક્રાંતિ લાવવા માટે ઉત્તમ ઉદાહરણો વાક્ય લખી ગર્ભ સંસ્કારની અનોખી વિધિ કરી છે. જીંકલબેનનું આ કાર્ય અન્ય સગર્ભાઓ માટે પણ અનુકરણીય અને પ્રેરણાદાયી બન્યું છે.