મોરબી : જામ ખંભાળિયા તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટકનો વીમો ઓરીએન્ટ ઇન્સ્યોરન્સ કંપનીનો હોય તેઓને કોરોના થતાં તમામ કાગળો અને દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. તેમ છતાં વીમા કંપનીએ મેડિકલ ક્લેઈમ આપવાની ના પડતા તેઓએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા અદાલતે અઢી લાખ રૂપિયા અને ખર્ચના દસ હજાર રૂપિયા 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે.ફરિયાદી દીપાબેન કોટક પાસે ઓરીએન્ટ ઇન્સ્યોરન્સ કંપનીનો મેડિકલ વીમો હતો. કોરોનાની બીમારીમાં તેમણે અઢી લાખનો ખર્ચ થયો હતો. તમામ કાગળો અને દસ્તાવેજી પુરાવા વીમા કંપનીને આપી દીધા હતા. પરંતુ વીમા કંપનીએ નજીવા કારણોસર વીમો આપવાની ના પાડતા અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. અદાલતે વીમા કંપનીની દલીલ માન્ય રાખી ન હતી અને જણાવ્યું હતું કે, ગ્રાહકે પ્રીમિયમ ભરેલ છે અને કોરોનાની સારવાર લીધેલ હોવાથી વીમા કંપનીએ વીમો ચુકવવો જોઈએ. જેથી અઢી લાખ તથા દસ હજાર ખર્ચના કુલ સાત ટકા વ્યાજ સાથે 60 દિવસમાં ચૂકવવા આદેશ કર્યો છે.