મારવાડી નસલનો 2 વર્ષનો આ વછેરો અગાઉ મિલ્ક ટીથ કેટગરીમાં પણ વિજેતા થઈ ચૂક્યો છે, પુષ્કરના મેળામાં પણ તેને આકર્ષણ જગાવ્યું હતુંમોરબી : મોરબીનો 2 વર્ષનો અશ્વ દેવાંશ વાંકાનેરમાં આયોજિત 17માં કામા અશ્વ પ્રદર્શનમાં ચમક્યો છે. આ અશ્વએ મારવાડી વછેરાની બે દાત કેટેગરીમાં ત્રીજો નંબર હાંસલ કર્યો છે. જે બદલ તેમના અશ્વાર ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.દેવાંશ મોરબીના કર્મ ફાર્મમાં રહે છે. તેના માલિક એવા મનોજભાઈ ગોધાણી અને સંજયભાઈ ગોધાણીએ જણાવ્યું કે દેવાંશ ઉત્તમ મારવાડી નસલનો વછેરો છે. તેની ઉપર માત્ર 2 વર્ષ જ છે. આ નસલના ઘોડા 5 વર્ષની આસપાસ પુખ્ત વયના થાય છે. દેવાંશ હજુ વછેરો હોવા છતાં પણ તેની કદ-કાઠી અને સુંદરતા ઉડીને આખે વળગે તેવી છે. તેઓએ ઉમેર્યું કે દેવાંશ જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે તેને બનાસકાંઠાના જસરામાં આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાની મિલ્ક ટીથ કેટેગરીમાં દેવાંશ વિજેતા થયો હતો. આ ઉપરાંત પુષ્કરના મેળામાં પણ દેવાંશને રીંગમાં ઉતારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દેવાંશના પિતા 'કેસરિયા' છે. આ અશ્વ જામનગરનો છે. જેની નસલ મારવાડી છે. આ અશ્વ તેની સુંદરતા અને મજબૂત કાયાને કારણે વિશ્વ વિખ્યાત છે.