ટ્રેકટર નીચે છાંયડામાં બાળકને સુવડાવ્યું હતું ત્યારે અચાનક ટ્રેકટર રળવા લાગ્યું વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. જેમાં ખેતરમાં કપાસ વીણી રહેલ ખેતશ્રમિક મહિલાએ પોતાના આઠ માસના બાળકને ટ્રેકટરના છાંયડા નીચે સુવડાવ્યું હતું ત્યારે અચાનક ટ્રેકટર રળવા લાગતા ટાયર નીચે આવી જતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં રજાકભાઈ અલીભાઈ માથકિયાની વાડીએ કામ કરતા મૂળ દાહોદના વતની હુમલાભાઈ ભગુભાઈ માવી અને તેમના પત્ની કપાસ વિણતા હતા ત્યારે આઠ માસના બાળક કીર્તનને વાડીના શેઢે પડેલા ટ્રેકટર નીચે છાંયડામાં સુવડાવ્યું હતું. આ સમય અન્ય બાળકો પણ ટ્રેકટર પાસે રમતા હતા ત્યારે અચાનક ટ્રેકટર ચાલવા લાગતા આઠ માસના કીર્તન ઉપર ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા કિર્તનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.