વેપારીઓએ ચેતવા જેવો કિસ્સો : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદમોરબી : મોરબીમાં અયોધ્યાપુરી રોડ ઉપર પાન-મસાલાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક ગઠીયાએ વેપારીની નજર ચૂકવી રૂ.50 હજાર સેરવી લીધા હોવાની ઘટના સામે આવી છે. હાલ આ મામલે પોલીસના અરજી કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર જલારામ ટ્રેડર્સ નામની પાન-મસાલાની દુકાન ધરાવતા મિતેષભાઈ પૂજારાએ સમગ્ર ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું કે આજે સવારે 10 વાગ્યાના અરસામાં એક ગ્રાહક તેમની દુકાને આવ્યો હતો. તેઓ માલ આપતા હતા તે વેળાએ ગ્રાહકે પાછળથી દુકાનના ગલ્લાનું ખાનું ખોલી સેકન્ડોમાં જ અંદાજે રૂ.50 હજારનું એક બંડલ ચોરી લીધું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આ મામલે એ ડિવિઝન પોલીસમાં અરજી આપી છે.