મોરબી: બાંગ્લાદેશમાં સનાતની યુવક દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાના વિરોધમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે 'એકતા એજ લક્ષ્ય સંગઠન' દ્વારા જંગી વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ આગેવાન ભગીરથ સિંહ રાઠોડના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં અઢારે વર્ણના સ્થાનિક હિન્દુઓ તેમજ ગુજરાત બહારથી વ્યવસાય અર્થે મોરબી આવેલા અન્ય રાજ્યોના હિન્દુ ભાઈઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.વિરોધ પ્રદર્શન દરમિયાન જોરદાર સૂત્રોચ્ચાર અને નારા લગાવવામાં આવ્યા હતા, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા સતત અત્યાચારો સામે સખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આક્રોશ વ્યક્ત કરવા માટે વિરોધીઓએ જિહાદી માનસિકતાનું પૂતળું બનાવી જાહેરમાં તેનું દહન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, કોઈપણ માધ્યમ દ્વારા બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. અંતમાં, મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ ભાઈઓએ એક મિનિટનું મૌન પાળી દિવંગત દીપુ ચંદ્ર દાસની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.