અરજદારોએ સરપંચના વર્તનનો વિડીયો વાયરલ કર્યો : સરપંચે કહ્યું- પાણીનો પ્રશ્ન માત્ર બે ઘરનો જ છે, તેઓ ગેરકાયદે નર્મદાની લાઈનમાંથી પાણી લે છેવાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામના સરપંચનો એક વીડિયો અરજદારોએ વાયરલ કર્યો છે. જેમાં પાણી મામલે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને સરપંચે તમારે દોડવું હોય ત્યાં દોડી લેજો તેમ કહ્યું હતું.ગ્રામજનો અને સરપંચ વચ્ચેની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ગામની કેટલીક મહિલાઓ અને પુરુષો પાણી મામલે રજૂઆત કરવા ગામના સરપંચ મુન્નાભાઈ દુધરેજીયા પાસે ગયા હતા. જો કે સરપંચે ગ્રામજનોને કહ્યું હતું કે, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો. ગ્રામજનોને આરોપ છે કે, ઉપલા પરા વિસ્તારમાં પાણી આપવામાં આવતું નથી. યોગ્ય રીતે વાલ્વ ખોલવામાં આવતો નથી. સરપંચને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લા ચાર વર્ષથી આ સ્થિતિ છે. વાલ્વ ખોલવા માટે માણસ પણ મૂકવામાં આવ્યો નથી. સરપંચને રજૂઆત કરીએ તો અવળા જવાબો આપતા હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે.આ અંગે મોરબી અપડેટ દ્વારા સરપંચ મુન્નાભાઈ દુધરેજીયા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે વીડિયો ઉતારે છે તે બે ઘરને જ પાણીનો પ્રશ્ન છે. તે વિસ્તારમાં સામ સામે રહેતા લોકોને અંદરો અંદર વેરઝેર છે. ગઈકાલે આ બાબતે અમે ભેગા પણ થયા હતા. પરંતુ ત્યાં અંદરો અંદર મહિલાઓ ઝઘડો કરતાં અમે ત્યાંથી નીકળી ગયા હતા. આજે તેમણે સ્ટંટ રચીને આ વીડિયો બનાવ્યો છે. તેઓ કહે છે કે તમારે ગમે તેમ કરીને પાણી તો આપવું જ પડશે. ચાર વર્ષથી હું સરપંચ છું તો આજે જ તેમણે કેમ કહ્યું ? તે લોકો ગેરકાયદેસર નર્મદાનું પાણી મેળવે છે અને હવે મોટરનું પણ પાણી માગી રહ્યા છે. અમે તેમના બે ઘરનો વાલ્વ ખોલીએ તો તેમની સામેના લોકો વિરોધ કરી રહ્યા છે.