ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર દારૂ પીવાની છૂટ, મહેમાનોની યજમાની કરવા માટે જે તે કંપનીએ કે વ્યક્તિએ ટેમ્પરરી પરમિટ લેવી પડશે : સરકારે નિયમો હળવા કર્યામોરબી : ગાંધીનગરના ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં દારૂના સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટા ફેરફાર કર્યા છે. અગાઉ ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી. જે હવે નાબૂદ કરવામાં આવી છે. હવે આવા પ્રવાસીઓ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે. જો કે મહેમાનોની યજમાની કરવા માટે જે તે કંપનીએ કે વ્યક્તિએ ટેમ્પરરી પરમિટ લેવાની રહેશે અને જે-તે કર્મચારીએ તેની સાથે હાજર રહેવાનું રહેશે. આ લોકોને ગાર્ડન એરિયા, પુલ સાઇડ અને ટેરેસ પર પીવાની છૂટ આપી છે.ગુજરાતના આર્થિક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં ઐતિહાસિક રાહત આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. હવે ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂના સેવન માટે પરમિટ લેવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. નવા જાહેરનામા મુજબ, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશી નાગરિકો હવે ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં માત્ર માન્ય ઓળખપત્ર બતાવીને દારૂનું સેવન કરી શકશે. વિદેશી નાગરિકો માટે પણ પ્રક્રિયા સરળ બનાવાતાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનોને કોઈ અગવડ નહીં પડે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈપણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. એે પહેલાં રાજ્ય સરકાર ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી છૂટછાટનો વ્યાપ વધારી શકે છે અને અમદાવાદમાં પણ છૂટ આપી શકે છે.