મોરબી: મોરબી જિલ્લાના વરુડુસર, માણાબા અને સુલતાનપુર ગ્રામ પંચાયતોએ સંયુક્ત રીતે કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગ, મોરબીને ઘોડા ધોઈ નદીની સફાઈ કરવા બાબતે લેખિત રજૂઆત કરી છે. ત્રણેય ગામોએ નદીમાં ઉગેલા ગીચ ઝાડી-ઝાંખરા અને કચરાને કારણે ચોમાસા દરમિયાન સર્જાતી પૂર જેવી સ્થિતિ સામે કાર્યવાહીની માંગ કરી છે.ગ્રામ પંચાયતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં ડેમના ગેટ ખોલવામાં આવે ત્યારે માણાબા ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીમાં પાણીનું સ્તર ખૂબ વધી જાય છે. નદીની સમયસર સફાઈ ન થવાને કારણે તેમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે, જેનાથી પાણીના વહેણમાં અવરોધ પેદા થાય છે. આ અવરોધને કારણે નદીનું પાણી બહાર ફેલાઈને ગામોમાં ઘૂસી જાય છે.આ સમસ્યાના પરિણામે છેવાડાના ગામોમાં દર વર્ષે પૂર જેવી સ્થિતિ સર્જાય છે, જેના કારણે ખેડૂતોને તેમના પાક અને ખેતીમાં મોટા પાયે નુકસાન થાય છે. પંચાયતોએ સૂચન કર્યું છે કે માણાબા ગામથી ચીખલી સુધીના નદીના પટની સફાઈ હિટાચી મશીન દ્વારા કરવામાં આવે તો આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે છે. ગ્રામ પંચાયતોએ કાર્યપાલક ઈજનેરને આ સફાઈ કાર્ય માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવાની અપીલ કરી છે, જેથી આગામી ચોમાસા પહેલા આ પ્રશ્નનો હલ થઈ શકે.