લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા વચ્છરાજ દાદાના મંદિરે 8 હજાર જેટલી ગાયોની સેવા કરવામાં આવે છે હળવદ : કચ્છના નાના રણમાં ઝીંઝુવાડા નજીક આવેલ વચ્છરાજબેટ ખાતે શ્રી વચ્છરાજ દાદાના મંદિરે જુદા જુદા તાલુકાના અસંખ્ય લોકો ત્યાં રહેલ ગૌમાતા માટે ઘાસચારો મોકલી રહ્યા છે.આજે હળવદના સુંદરી ભવાની ગામેથી પણ 85 વાહનો ગૌમાતા માટે ઘાસચારો ભરી રવાના થયા હતા. નાના રણની વચ્ચે આવેલ વચ્છરાજદાદાની જગ્યામાં અંદાજે 8000 જેટલી ગાયોની સેવાચાકરી કરવામાં આવી રહી છે.ખાસ કરીને અહીં ચોમાસા દરમિયાન પાંચ મહિના રણમાં ફરતું પાણી આવી જતું હોવાના કારણે આ તમામ ગૌમાતા માટે અગાઉથી જ ઘાસચારાની વ્યવસ્થા કરવી જરૂરી બનતું હોય છે.જોકે ગૌ પ્રેમી લોકો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ અનેક વાહનો ભરી સૂકો ઘાસચારો દાદાના મંદિરે રહેલ ગૌમાતા માટે મોકલી રહ્યા છે. આજે હળવદના સુંદરી ભવાની ગામના ગૌપ્રેમી યુવાનો દ્વારા 75 ટ્રેક્ટર તેમજ 10 બોલેરો સુકો ઘાસચારો વચ્છરાજ દાદાની જયના નારા સાથે રવાના થયા હતા.