વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના વતની મનસુખભાઈ પોલાભાઈ બેડવા છેલ્લા 15 વર્ષથી નિઃસ્વાર્થ સમાજસેવાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. એક ઈમાનદાર અને નિષ્ઠાવાન સમાજસેવક તરીકે, તેઓ માનસિક રીતે અસ્થિર થયેલા અને રસ્તે રઝળતા નિરાધાર લોકોને પોતાના સ્વખર્ચે નિયમિતપણે ભોજન પૂરું પાડી રહ્યા છે.મનસુખભાઈ દરરોજ સાંજે પોતાની મોટરસાયકલ પર 50થી વધુ લોકો માટે શાક, રોટલી, દાળ, ભાત અને છાશ સહિતની ખાદ્ય સામગ્રી લઈને નીકળે છે. તેઓ મોડી રાત સુધી શહેરના રસ્તાઓ પર ફરીને આ પાગલ લોકોને પ્રેમથી જમાડે છે. જ્યારે આજના સ્વાર્થી યુગમાં ઘણા લોકો પોતાના પરિવારના સભ્યોને પણ સાચવવામાં અસમર્થતા દર્શાવતા હોય છે, ત્યારે મનસુખભાઈ બેડવાનું સેવાકાર્ય ખરેખર પ્રેરણાદાયી છે. તેમનો આ નિસ્વાર્થ પ્રયાસ સમાજને માનવતા અને નિષ્ઠાનો સંદેશ આપે છે.