હળવદ: વીજળી સંબંધિત અકસ્માતોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' પર એક પ્રભાવશાળી વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી વર્તુળ કચેરી અને હળવદ વિભાગીય કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, લાઈન સ્ટાફ, કોન્ટ્રાકટરો અને તેમના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સેમિનારનું મુખ્ય આકર્ષણ સુરક્ષા પર આધારિત એક હૃદયસ્પર્શી ફિલ્મ (મૂવી) હતું, જેમાં વીજ અકસ્માતની પારિવારિક અસરોનું નિરૂપણ કરાયું હતું. આ મૂવી નિહાળ્યા બાદ ઉપસ્થિત સૌ કોઈ સુરક્ષાના નિયમો પાળવા અંગે ભાવુક અને જાગૃત બન્યા હતા.કાર્યક્રમના અધ્યક્ષ ઘાડીયા (અધિક્ષક ઇજનેર) અને અતિથિ વિશેષ ચૌહાણ (કાર્યપાલક ઇજનેર) દ્વારા સુરક્ષાના મહત્ત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં PPE કીટ (હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, ગ્લવ્ઝ) નો અનિવાર્ય ઉપયોગ, કામ શરૂ કરતાં પહેલાં લાઈન ક્લિયરન્સ (LC) લેવાનું ચુસ્ત પાલન અને પરિવારના સભ્યો દ્વારા સેફ્ટી સાધનોની યાદ અપાવવાની ભૂમિકાનો સમાવેશ થાય છે.પ્રારંભમાં એમ. આર. વસાવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે જે. એલ. બરંડાએ સૌને ફરજ દરમિયાન સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપવાની 'સેફ્ટી પ્રતિજ્ઞા' લેવડાવી હતી. વક્તાઓ તરીકે એમ. એમ. ચૌધરી, કે. પી. પટેલ, પી. ડી. પટેલ, હુંબલ અને બરંડાએ ટેકનિકલ સેફ્ટી અને ઉર્જા બચત વિશે સમજણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું પ્રભાવી સંચાલન પ્રતિક પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો નિષ્કર્ષ એ હતો કે 'તમારી સુરક્ષા એ જ તમારા પરિવારની ખુશી છે.' પીજીવીસીએલના આ પ્રયાસને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.