મોરબી: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી. જોષી દ્વારા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી (અન્ન અને નાગરિક પુરવઠા, ગાંધીનગર) ને મોરબીના ત્રાજપર વિસ્તારમાં નવી ગેસ એજન્સી ફાળવવા અંગે મહત્ત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતનો મુખ્ય હેતુ મધ્યમ અને ગરીબ વર્ગના ગ્રાહકોને પડતી હાલાકી દૂર કરવાનો છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, હાલમાં ત્રાજપર, લાલપર, ભડીયાદ, રફાળેશ્વર અને પાનેલી જેવા વિસ્તારોમાં ત્રણ હજારથી વધુ ગેસ ગ્રાહકો વસવાટ કરે છે. આ તમામ ગ્રાહકોને ગેસ સિલિન્ડર લેવા માટે મકનસર ખાતે આવેલી એજન્સી સુધી જવું પડે છે. આ લાંબા અંતરને કારણે ગ્રાહકોને સિલિન્ડર દીઠ આશરે રૂ. 100 નો વધારાનો ખર્ચ થાય છે અને સમયનો પણ બગાડ થાય છે. મોટાભાગના ગ્રાહકો ઉઝાલા યોજના હેઠળના છે, જેમને વધુ ખર્ચ ન કરવો પડે તે માટે ત્રાજપર, મોરબી-2 ખાતે એક નવી ગેસ એજન્સી ખોલવામાં આવે તે જરૂરી છે. તેથી અપીલ કરી છે કે તેઓ ઇન્ડિયન ઓઇલ કંપની, રાજકોટને આ બાબતે જાણ કરી યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક પગલાં લે.