જ્યાં કોઈ ખાસ ઉદ્યોગ નથી ત્યાં કલકત્તામાં CSIR-CGCRI કાર્યરત, આવું સેન્ટર અથવા તેની પેટા શાખા મોરબીમાં સ્થપાય તો સિરામિક ઉદ્યોગને મોટું બળ મળે : CSIR-CGCRI સાથેની બેઠકમાં સિરામિક ઉદ્યોગકારોએ સેન્ટર ફાળવવા કરી ધારદાર રજુઆત મોરબી : મોરબી સિરામિક એસોસિએશન અને પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ -થાનગઢની સંયુક્ત બેઠક CSIR-CGCRI - કલકત્તા સાથે યોજાઈ હતી. જેમાં સિરામિક ઉદ્યોગકારોએ મોરબીમાં કોઈ રિસર્ચ સેન્ટર ન હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક મેન્યુફેક્ચરિંગ હબ છે છતા રીસર્ચની ફેસિલીટી કે ટ્રેનીંગ સેન્ટર નથી. જેથી CGCRI સમકક્ષ રીસર્ચ સંસ્થા સ્થાપવાની તેઓએ માંગ કરી હતી.આ બેઠકમાં ડૉ. મોસમી મજુમદેર, ડૉ. ઇન્દ્રનીલ બિસ્વાસ, ડૉ. અંબરીશ સન્યાલ, મુકેશભાઈ દેલવાડીયા, ડૉ. અમિષ જી. જોશી, કિરીટભાઈ મોખાસણા, શ્રી સ્વચ્છા મજુમદાર, પ્રો. બિક્રમજીત બાસુ- ડિરેક્ટર CSIR-CGCRI, અશ્વિનભાઈ મારુ, જીનલ મારુ, હરેશભાઈ બોપાલીયા, ડૉ. પરાગ એમ. સોલંકી, સંદીપભાઈ કુંડારીયા, કેવલભાઈ સાંઘાણી અને જીજ્ઞેશભાઈ કામારિયા સહિતના આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.1940 માં CSIR (કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ) અને CGCRI (સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ની સ્થાપના કલકતા ખાતે કરવામાં આવી હતી. જે તે વખતે કલકત્તામાં ખાણ ખનીજ અને ગ્લાસ તથા સિરામિક ઉત્પાદનનુ મુખ્ય મથક હોય કલકતા ખાતે સંસ્થાનો આરંભ કરવામાં આવેલ હતો. હાલમાં આ સંસ્થામાં ચેરમેનની જવાબદારી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંભાળી રહ્યા છે. ઉપરાંત સિરામિક ક્લસ્ટરને મદદરુપ થવા માટે CSIR-CGCRI, નરોડા સેન્ટરની સ્થાપના 1977માં ગુજરાત ખાતે આસપાસના વિસ્તારોમાં નાના અને મધ્યમ ક્ષેત્રોમાં સિરામિક ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ સિરામિક કાચા માલનું મૂલ્યાંકન અને ઉપયોગ તથા સિરામિક અને સંલગ્ન ઉદ્યોગોને પરીક્ષણ સુવિધાઓ પ્રદાન કરવી. વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગ દેશનુ 90% સિરામિક પ્રોડક્ટ બનાવતુ હોય અને વિશ્વનુ બીજા નંબરનુ પ્રોડક્શન હબ હોય સિરામિક ઉદ્યોગમાં આ મુજબની કોઇ સગવડતા નથી. આ મીટીંગ CGCRIની પેટા શાખા મોરબી ખાતે સ્થાપવામાં આવે તેવી ભારપૂર્વક ચર્ચા અને રજુઆત કરવામાં આવી હતી. ક્લસ્ટરને વેગવંતુ બનાવવા માટે અને વૈશ્વિક જરુરીયાતને પહોંચી વળવા સ્કીલ અને તાલિમ કૌશલ્ય તથા રીસર્ચ અને ટ્રેનીંગ માટે આ મુજબની સંસ્થા અનિવાર્ય છે. જ્યારે ઉધોગ વૈશ્વિક લેવલે ચાઇના સાથે બાથભીડતો હોય આ મુજબની સંસ્થાની જરુરીયાત એ સમયની માંગ છે આ બાબતની ચર્ચા મીટીંગમાં થઇ હતી. આ ચર્ચાને અંતે ડીરેક્ટર બ્રીક્રમજીત બાસુએ આશ્વાસન આપ્યુ હતુ કે પ્રાઇમરી બેઇઝ પર આવી સંસ્થા મોરબીમાં શરુઆત કરવા માટે અમે પ્રયત્નો કરીશુ. મોરબીમાં શરૂઆતમાં પ્રાઇમરી બેઇઝ પર લેબ ટેસ્ટના સાધનો ફાળવવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે તેવી માહિતી આપી હતી. જો કે ઉદ્યોગકારો જણાવી રહ્યા છે કે માત્ર સાધનોથી કઈ થઈ શકે એમ નથી. હાલ સિરામિક ઉદ્યોગ માટે અત્યારે હરીફાઈમાં ક્રિટીકલ સમય છે તેવામાં આ ક્લસ્ટર માટે વૈજ્ઞાનિકોની ટિમ, રિસર્ચ સેન્ટર અને ટ્રેનિંગ સેન્ટર અહીં સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવે તો ક્લસ્ટર હજુ પણ વધુ પ્રગતિ કરી દેશના વેપારમાં વધુ હિસ્સો આપી શકે તેમ છે.CSIR અને CGCRIની મુખ્ય કામગીરીપ્રાયોજિત સંશોધન અને ટેકનોલોજીનું ટ્રાન્સફર હાથ ધરવું. તદઉપરાંત ગુણવત્તા, ઉત્પાદકતા, ખર્ચ ઘટાડા, આયાત અવેજી અને નિકાસ પ્રોત્સાહનમાં સુધારો કરવા માટે સિરામિક ઉદ્યોગોને તકનીકી સહાય કરવી. સિરામિક ઉદ્યોગમાં માનવશક્તિ વિકાસ માટે કર્મચારીઓને તાલીમ આપવી. ઉદ્યોગને સલાહ સેવાઓ પ્રદાન કરવી. ગ્રામીણ માટીકામમાં સુધારો અને ઉત્પાદન શ્રેણીમાં વૈવિધ્યકરણ માટે ટેકનોલોજીનો વિકાસ કરવો. ટાઈલ્સ, સેનિટરી વેર વગેરે જેવા પરંપરાગત સિરામિક ઉત્પાદનોની ગુણવત્તા સુધારણા માટે ટેકનોલોજી વિકાસ કરવો. સામાજિક લાભ માટે પરંપરાગત સિરામિક્સમાં ગ્રામીણ કારીગરોને તાલિમ આપવી. SME ક્ષેત્રો માટે ઉદ્યોગના વિકાસ પ્રવૃત્તિ હાથ ધરવી. પરંપરાગત સિરામિક્સના ઉત્પાદન માટે ઔદ્યોગિક વેસ્ટ કચરાનો ઉપયોગ કરવા તકનીકી સલાહ અને સુચન આપવા. ઊર્જા કાર્યક્ષમ પ્રત્યાવર્તનનો વિકાસ તેમજ પરંપરાગત સિરામિક્સમાં નેનો ટેકનોલોજીના ઉપયોગમાં ભવિષ્યવાદી સંશોધન હાથ ધરવુ. પરંપરાગત સફેદ માટીના વાસણોના સિરામિક્સનો વિકાસ કરવો.