મોરબી: મોરબીના મહેન્દ્રનગર ચોકડી ખાતે લાંબા સમયથી બંધ પડેલા ઓવરબ્રિજનું કામ ફરી શરૂ કરવા અથવા તો તેને દૂર કરીને નવો માર્ગ બનાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી (AAP)ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. આ ચોકડી હેવી વાહનોની અવરજવર માટેનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં છેલ્લા ચાર વર્ષથી પુલનું નિર્માણ કાર્ય અગમ્ય કારણોસર થંભી ગયું છે.પત્રમાં જણાવ્યું છે કે પુલનું અધૂરું કામ સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો માટે મોટી મુસીબત બની ગયું છે. મુખ્ય સમસ્યાઓમાં જટિલ ટ્રાફિક જામ, સમયનો બગાડ, ચોમાસામાં પાણી ભરાવાના કારણે અકસ્માતની ભીતિ અને બાંધકામને કારણે થતા ધૂળ-પ્રદૂષણથી લોકોના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોનો સમાવેશ થાય છે.પંકજભાઈ આદ્રોજાએ અગાઉ પણ આ મામલે અનેક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર પ્રતિસાદ ન મળતાં અંતે તેમણે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે. તેમણે માગણી કરી છે કે આ જાહેર સુવિધાનો પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. જો કોઈ કારણોસર પુલનું બાંધકામ શક્ય ન હોય, તો અધૂરા બનેલા ભાગને દૂર કરીને તાત્કાલિક ધોરણે નવો અને સુવ્યવસ્થિત માર્ગ બનાવવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે. તેમણે સ્કારાત્મક જવાબની આશા સાથે મુખ્યમંત્રીને આ બાબતે યોગ્ય તપાસ કરાવી સંબંધિત વિભાગને કામ શરૂ કરવા આદેશ આપવા અપીલ કરી છે.