આયુર્વેદ નિદાન-સારવારનો 1258 તો હોમિયોપેથી સારવારનો 398 લોકોએ લાભ લીધો: 245 બાળકોને સુવર્ણપ્રાશન અપાયું મોરબી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યની સૂચના મુજબ, જિલ્લા પંચાયત – આયુર્વેદ શાખા, મોરબી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તા. 18-19 ડિસેમ્બર 2025ના રોજ વાંકાનેર ખાતેની પટેલ સમાજ વાડીમાં ભવ્ય 'આયુષ મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ મેળામાં આરોગ્ય સમિતિના અધ્યક્ષ સરોજબેન ડાંગરોચા, સામાજિક અગ્રણી હરીસિંહ ઝાલા અને જિલ્લા આંકડા અધિકારી સંદીપભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને ભગવાન ધન્વંતરીની વંદના સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.મેળાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. હરેશ જેતપરીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે ડૉ. પ્રવિણ વડાવિયાએ આયુષ ચિકિત્સા પદ્ધતિ અને મેળાના ઉદ્દેશ વિશે માહિતી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ પોતાના સંબોધનમાં આયુષ પદ્ધતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને લોકોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ટીમ આયુષ દ્વારા તૈયાર કરાયેલ લઘુ પુસ્તિકા 'મા' નું વિમોચન કરવામાં આવ્યું હતું અને વિશિષ્ટ કામગીરી કરનાર ડૉ. અલ્તાફ શેરશીયા તથા ડૉ. શ્રીબા જાડેજાનું સન્માન કરાયું હતું.આયુષ મેળામાં આરોગ્યલક્ષી અનેકવિધ સ્ટોલનું આયોજન થયું હતું. ડૉ. હરેશ જેતપરીયા અને ઉપસ્થિત મહેમાનોએ વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, લાઇવ યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ અને લાઇવ વનસ્પતિ પ્રદર્શન, હોમિયોપેથી પ્રદર્શન, ઉકાળા-આર્સેનિક વિતરણ, હર્બલ ટી અને વિવિધ તૃણ ધાન્યોમાંથી બનેલી વાનગીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મેળામાં મોરબી જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથીક મેડિકલ ઓફિસર્સની સમગ્ર ટીમે ફરજ બજાવી હતી.વાંકાનેર ખાતે યોજાયેલા આયુષ મેળાને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, જેમાં કુલ 6481 લાભાર્થીઓએ વિવિધ આયુષ સેવાઓનો લાભ લીધો હતો. આયુર્વેદ નિદાન-સારવારનો લાભ 1258 લોકોએ લીધો હતો, જ્યારે હોમિયોપેથી સારવારનો લાભ 398 લોકોએ લીધો હતો. આ ઉપરાંત, 245 બાળકોને સુવર્ણપ્રાશન આપવામાં આવ્યું હતું, અને 1215 લોકોએ અમૃતપેય-ઉકાળાનો લાભ લીધો હતો. પંચકર્મ અને અગ્નિકર્મ જેવી ચિકિત્સા પદ્ધતિઓનો લાભ પણ અનુક્રમે 96 અને 148 લાભાર્થીઓએ, તેમજ જરા ચિકિત્સાનો 44, પ્રત્યક્ષ યોગ નિદર્શનનો 125, આર્સેનિક આલ્બમ 30 વિતરણનો 567 તેમજ પ્રદર્શન નો 2385 લોકોએ લાભ લીધો હતો. જે આયુષ પદ્ધતિ પ્રત્યે લોકોની વધતી જાગૃતિ દર્શાવે છે.