રૂ.2.43 કરોડના ખર્ચે નિર્મિત ચેરીટી ભવનમાં કોર્ટ રૂમ, લેડીઝ રૂમ, બાર રૂમ, પક્ષકારો માટે સીટીંગની વ્યવસ્થા, વોટર રૂમ, ગાર્ડન સહિતની સુવિધામોરબી : ગુજરાત સરકારના કાયદા વિભાગ હેઠળની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી એટલે કે ચેરીટી ભવનના નવનિર્મિત બિલ્ડીંગનું આજે કાયદા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આ વેળાએ મંત્રી ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. નવું “ચેરિટી ભવન” મોરબીમાં શક્તશનાળા વિસ્તારમાં, હ્યુન્ડાઇના શોરૂમની સામે અને સી.એન.જી. પમ્પની બાજુમાં કાર્યરત થયું છે. જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીની આ નવી ઇમારતથી મોરબી પ્રદેશના ટ્રસ્ટો અને સંગઠનોને વહીવટી કામગીરીમાં વધુ સરળતા અને સુવિધા પ્રાપ્ત થશે. આ લોકાર્પણ પ્રસંગે કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હવે ચેરિટી ભવનના માત્ર 9 જેટલા જિલ્લામાં બિલ્ડીંગો બાકી છે તે આગામી દિવસોમાં પરીપૂર્ણ કરવામાં આવશે. અહીં જે લોકો ટ્રસ્ટ નૂ કામ લઈને આવે તેનું કામ સરળ રીતે થાય અને અરજદાર હસતા હસતા જાય એવી કામગીરી કરવા અધિકારીઓને સૂચન છે. જિલ્લામાં નોંધાયેલ 4500 ટ્રસ્ટો પોતાની સંસ્થા મારફત 100 વૃક્ષ વાવે તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડી શકીશું. કચેરીને સ્વચ્છ રાખવાની આપણી ફરજ છે. રાજ્યના કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટે જણાવ્યું કે રૂ. 2.43 કરોડના ખર્ચે આ ચેરીટી ભવન તૈયાર થયું છે. અહીં કોર્ટ રૂમ, લેડીઝ રૂમ, બાર રૂમ, પક્ષકારો માટે સીટીંગની વ્યવસ્થા, વોટર રૂમ, ટોયલેટ, ગાર્ડન સહિતની સવલતો છે. સોલાર પણ નાખવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 4500 ટ્રસ્ટ નોંધાયેલા છે અને તેના હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. આવતીકાલથી દરેક ઓફિસમાં અને ટ્રસ્ટમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ શરૂ કરીશું. ઉલ્લેખનીય છે કે આ વેળાએ નોંધણી થયેલ મોરબીના બે તથા હળવદના એક મળી ત્રણ ટ્રસ્ટોને નોંધણી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉદ્ઘાટન સમારોહમાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રીઓ જેઠાભાઇ મિયાત્રા, કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા તેમજ વકીલો, વિવિધ ટ્રસ્ટના હોદેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.