ટંકારા : ટંકારા તાલુકા મામલતદાર કચેરી પાસે પોલીસ સ્ટેશન સામેના માર્ગ પર ઓવરલોડેડ ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રકના તાણીયા તૂટી જતાં તડાકા-ભડાકાના અવાજ સાથે ટ્રક નમી ગયો અને મગફળીથી ભરેલા આકાશને આંબે એવા કોથળા રસ્તા પર ઢળી પડ્યા. આ ઘટનાથી રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ અને કોઈ જાનહાનિ થઈ નહીં.આ ઘટના પરથી મોટો સવાલ ઊભો થયો છે કે દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોણ લેત? પોલીસ અને આરટીઓ વિભાગ પર આરોપો લાગી રહ્યા છે કે ઓવરલોડિંગ અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી.આ ઘટના પહેલાં પણ તાજેતરમાં ટંકારા વિસ્તારમાં રેતીથી ભરેલા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો, શહેરની મુખ્ય કચેરીઓ સામે આવી ઘટનાઓ બનવી ચિંતાજનક છે.