મોરબી : મોરબી શહેરમાં આજ રોજ એક અનોખા રીત-રિવાજ સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મૃતકના પાર્થિવ દેહને પાલખીમાં બેસાડીને સ્મશાન સુધી લઈ જવામાં આવ્યો હતો અને મૃતદેહને બેસાડીને જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. મોરબીમાં આજ રોજ મૂળ રાજસ્થાનના વગડીયા ગામના અને હાલ મોરબીના ભડિયાદ રોડ પર જંગલેશ્વર મંદિરની બાજુમાં રહેતા વણઝારા સમાજના આશાજી વિરાજી રાઠોડ (અશોકભાઈ રાઠોડ)ની અંતિમ યાત્રા નીકળી હતી. મૃતકના માસીયાઈ ભાઈ કરણજીએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આ તેમના પરિવારની વર્ષો જૂની પરંપરા છે. આ પરંપરા પ્રમાણે મૃતક આશાજી રાઠોડના મૃતદેહને સૌપ્રથમ પરિવારજનોએ પાલખીમાં બેસાડ્યો હતો. મૃતદેહને પાલખીમાં બેસાડીને જ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને સ્મશાનગૃહે લઈ જવામાં આવ્યો હતો અને પાલખીમાં જ તેઓને બેસાડી રાખીને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેઓની પરંપરા પ્રમાણે મૃતકના અસ્થિ વિસર્જન હરિદ્વાર ખાતે કરવામાં આવશે અને ત્યાંથી પાણી લાવીને હવન કરવામાં આવશે.