67 કરોડના માંગણા સામે 16.12 કરોડની વસૂલાતમોરબી: મોરબી મહાપાલિકા દ્વારા શહેરના નાગરિકોને ટેક્સ ભરવામાં સરળતા રહે તે માટે 9 ક્લસ્ટર સેન્ટરો ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાગરિકો લીલાપર, રવાપર, ભડિયાદ, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા, વાવડી, સીટી સિવિક સેન્ટર, મહાનગરપાલિકા કચેરી ખાતે પોતાનો મિલકત વેરો ભરી શકશે.મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલાતની ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 67 કરોડના માંગણા સામે 16.12 કરોડની વસૂલાત થઈ છે, જે 23.93% જેટલી છે. કુલ 90,000 મિલકત ધારકોમાંથી અત્યાર સુધીમાં 20,502 લોકોએ તેમનો ટેક્સ ભરી દીધો છે. ટેક્સની વસૂલાત વધારવા માટે, મહાનગરપાલિકાએ 50 હજારથી 1 લાખ સુધીનો બાકી ટેક્સ ધરાવતા લગભગ 1,200 જેટલા લોકોને નોટિસો પણ પાઠવી છે.જોકે, આજે ટેક્સ ભરવા આવેલા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહાનગરપાલિકાના કેન્દ્રો પર ટેક્સ ભરવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી, તેમજ નેટવર્કના લોચાને કારણે ટેક્સ ભરવાની પ્રક્રિયામાં વિલંબ થયો હતો. એક તરફ મહાનગરપાલિકા બાકી ટેક્સ ભરવા માટે નોટિસો પાઠવે છે અને બીજી તરફ જ્યારે લોકો ભરવા આવે છે ત્યારે નેટવર્કના પ્રશ્નો ઊભા થાય છે, જેના કારણે નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. આ હાલાકીને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકા કમિશનર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટેક્સ ભરવા માટે ઓનલાઈન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરે.