મોરબી: જાણીતા પત્રકાર અને સામાજિક ચળવળકાર જિગ્નેશ કાલાવડિયાને સરદાર વલ્લભભાઈ પટેલની 75મી પુણ્યતિથિ નિમિત્તે તેમના જન્મસ્થળ કરમસદ ખાતે 'ગોલ્ડન ગાર્ડ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સન્માન સમારોહનું આયોજન 'ધ સરદાર મિશન' અને 'સરદાર પટેલ શોધ સંસ્થાન'ના સંયુક્ત ઉપક્રમે 15 ડિસેમ્બરના રોજ કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.આ એવોર્ડ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કૂર્મી-પાટીદારોની એકતા અને સંગઠન માટે કરેલા નોંધપાત્ર પ્રયાસોની કદર રૂપે એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ધ સરદાર મિશનના પ્રણેતા ચિરાગ પટેલ દ્વારા જિગ્નેશ કાલાવડિયાના સામાજિક પ્રદાનની સરાહના કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના કૂર્મી આગેવાન અને સરદાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. આર. એસ. પટેલના હસ્તે તેમને મેડલ પહેરાવી એવોર્ડ અર્પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં દેશભરના 12થી વધુ રાજ્યોના સરદાર પટેલને આદર્શ માનનારા સામાજિક અગ્રણીઓ અને ચળવળકારો હાજર રહ્યા હતા.પત્રકારત્વના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપવા બદલ જિગ્નેશ કાલાવડિયાને અગાઉ પણ અનેક એવોર્ડ મળેલા છે, ત્યારે આજે તેમને તેમની સામાજિક સેવાના વિશિષ્ટ પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના સ્થાપક અધ્યક્ષ છે અને હાલમાં 'પટેલ પરિવાર મેગેઝિન'ના માધ્યમથી પાટીદાર સમાજની એકતા, વૈચારિક ક્રાંતિ અને વૈવાહિક સમસ્યાઓ પર વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે. તેમના આ સન્માન બદલ મિત્ર વર્તુળ અને શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.