કાર્ડિયાક એરેસ્ટથી બચવા, હેલ્ધી ડાયટ, દોડની ટેકનિક્સ અને લેખિત પરીક્ષા માટે નિષ્ણાતોની આટલી વાત યાદ રાખોમોરબી: ગુજરાતમાં આગામી સમયમાં પોલીસ કોન્સ્ટેબલની મોટી ભરતી આવી રહી છે, ત્યારે હજારો યુવાનો પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે સૂરજ ઉગે તે પહેલાં અને આથમે પછી પણ સખત મહેનત કરી રહ્યા છે. જોકે, માત્ર મહેનત જ નહીં પરંતુ યોગ્ય માર્ગદર્શન અને કાળજી પણ એટલી જ જરૂરી છે. ખાસ કરીને તાજેતરમાં દોડતી વખતે કાર્ડિયાક અરેસ્ટના બનાવો વધતાં શારીરિક તૈયારી દરમિયાન શું ધ્યાન રાખવું તે અંગે ચિંતા વધી છે. આ તૈયારીઓને યોગ્ય દિશા આપવા માટે મોરબી ખાતે નવયુગ કેરિયર એકેડમીના માર્ગદર્શક પરેશભાઈ, ગોકુલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર વિપુલભાઈ મલાસણા તેમજ એવરેસ્ટ સર કરનારા અને હાલ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભૂમિકાબેન ભૂત દ્વારા યુવાનોને શારીરિક, માનસિક અને લેખિત પરીક્ષા માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગોકુલ હોસ્પિટલના ડોક્ટર વિપુલ મલાસણાએ યુવાનોમાં અચાનક થતા મૃત્યુ (સડન કાર્ડિયાક એરેસ્ટ) અંગે ચિંતા વ્યક્ત કરી અને તફાવત સમજાવ્યો. ડોક્ટરના મતે, સડન કાર્ડિયાક એરેસ્ટ એટલે હૃદયનું સેકન્ડના છઠ્ઠા ભાગમાં ધબકવાનું બંધ થઈ જવું. તેનાથી મગજને લોહી મળતું બંધ થાય છે અને વ્યક્તિ તરત બેભાન થઈ મૃત્યુ પામે છે. જ્યારે હાર્ટ એટેક એ હૃદયને લોહી પહોંચાડતી નળીઓમાં બ્લોકેજ થવું છે. જોકે, યુવાનોમાં બ્લોકેજ વિના પણ કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે.ડો. મલાસણાએ જણાવ્યું હતું કે હાર્ટ એટેક ઉપરાંત યુવાનોમાં કાર્ડિયાક એરેસ્ટનું મુખ્ય કારણ 'HOCM' (હાયપરટ્રોફિક ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી) હોઈ શકે છે. આ એક જન્મજાત સ્થિતિ છે, જેમાં હૃદયના પડદાની દીવાલ સામાન્ય કરતાં વધુ જાડી હોય છે. દોડતી વખતે લોહીની વધુ જરૂર પડે ત્યારે જાડી દીવાલને કારણે હૃદયમાંથી લોહી નીકળવાનો માર્ગ અચાનક બંધ થઈ જાય છે, અને હૃદય ધબકવાનું બંધ કરી દે છે. આ ઉપરાંત, ડ્રગ્સ, આલ્કોહોલનો ઓવરડોઝ કે અતિશય ઠંડી પણ કારણભૂત બની શકે છે.હાલ તૈયારી કરતા ઉમેદવારોને ડો. મલાસણાએ બે વસ્તુઓ પર ભાર મૂકવા કહ્યું, પહેલું સ્ક્રીનિંગ. જેમાં તૈયારી શરૂ કરતાં પહેલાં ECG, કાર્ડિયોગ્રામ, અને ઇકો કાર્ડિયોગ્રામ જેવા ટેસ્ટ દ્વારા HOCM કે અન્ય જન્મજાત હૃદયની બીમારીનું નિદાન કરી શકાય છે. આ ઉપરાંત બીજામાં ઇમરજન્સી ટ્રેનિંગ ઉપર ભાર મૂક્યો છે. ઉમેદવારો અને તાલીમ આપતી સંસ્થાઓએ CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) ની ટ્રેનિંગ લેવી જોઈએ, જેથી ઘટના બને તો હોસ્પિટલે પહોંચતા પહેલાં પ્રાથમિક સારવાર આપી શકાય. તેમણે સૂચન આપ્યું, 'અત્યારથી થોડી ચિંતા કરશો દિલની, તો ચિંતા નહીં કરવી પડે હોસ્પિટલના બિલની.'પોલીસ કોન્સ્ટેબલ અને પર્વતારોહક ભૂમિકાબેન ભૂત, જેમણે 'હૈયું, હામ અને હિમાલય' નામનું પુસ્તક પણ લખ્યું છે, તેમણે ફિઝિકલ તૈયારી માટે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દોડવાનું શરૂ કરતાં પહેલાં 15-20 મિનિટ વોક, જોગિંગ અને સ્ટ્રેચિંગ કરવું અનિવાર્ય છે. માત્ર દોડવા પર ધ્યાન આપવાને બદલે સ્ટેમિના વધારવા માટે કોર, એબ્સ અને લેગ વર્કઆઉટ કરવા જોઈએ. તેનાથી દોડતી વખતે પગ ભરાઈ જવા કે પેટમાં આંટી ચડવા જેવા પ્રશ્નો નહીં થાય. તેમજ ખાસ જેને શ્વાસ ચડતો હોય તેમણે શરૂઆતમાં ધીમા રનિંગ (15, 20, 30 મિનિટ) થી સ્ટ્રેન્થ મેળવવી અને પછી ટાઇમિંગમાં આવવું જોઈએ. આ ઉપરાંત પ્રોટીન અને કેલ્શિયમયુક્ત ખોરાક, 3-4 લિટર પાણી, તાજા ફળો અને ફ્રેશ ડાયટ લેવો, અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવું. પૂરતું પાણી મસલ્સને એક્ટિવ કરે છે અને સ્ટેન્થ લાવે છે.દોડવાની ટેકનિક અંગે વાત કરતા જણાવ્યું કે દોડતી વખતે શરીરને અપર બોડીથી ઢીલું રાખવું, મુઠ્ઠી બંધ ન રાખવી, અને બંને હાથનો સપોર્ટ લેવો. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી સ્ટેપ ખોલવા પર ભાર મૂકવો. દુપટ્ટા કે જીન્સ પેન્ટમાં દોડવાનું ટાળવું અને ટી-શર્ટ તથા ટ્રેકપેન્ટ જેવા આરામદાયક કપડાં પહેરવા. ભૂમિકાબેને પ્રેરક સંદેશ આપ્યો કે, 'સફળતા એક દિવસમાં નહીં મળે, પરંતુ એક દિવસ જરૂર મળશે. જેથી નિરાશ થયા વગર સતત પ્રયત્ન કરતા રહો.'નવયુગ કેરીઅર એકેડમીના પરેશભાઈએ લેખિત પરીક્ષાની તૈયારી માટે માહિતી આપી હતી. નવયુગ એજ્યુકેશન ગ્રુપના સુપ્રીમો પી ડી કાંજિયાએ મોરબીના યુવાનો સરકારી નોકરી મેળવી દેશની સેવામાં યોગદાન આપે તે હેતુથી મોરબીની પહેલી કેરિયર એકેડમી નવયુગ કેરિયર એકેડમી 2018માં શરૂ કરી, જેના દ્વારા અત્યાર સુધીમાં 106 વિદ્યાર્થીઓને સરકારી વિભાગોમાં ફરજ બજાવતા થયા છે. પરેશભાઈએ ભારપૂર્વક જણાવ્યું કે તેમની એકેડમીમાં માત્ર ગુજરાતની નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા જ કોચિંગ અપાય છે અને રિઝલ્ટમાં અન્ય જગ્યાએ કોચિંગ લીધેલા વિદ્યાર્થીઓને દર્શાવાતા નથી. લેખિતની સાથે શારીરિક તૈયારી માટે પણ નિષ્ણાત કોચ દ્વારા માર્ગદર્શન અપાય છે.પરેશભાઈએ અંતે પ્રેરણા આપતાં કહ્યું કે, 'પોલીસ બનવાના સપના માટે અત્યારે ઘણી બધી તકો તમારી સામે ઊભી છે. જેથી સમય ન લગાવો તય કરને મેં કી આપકો ક્યા કરના હૈ વરના સમય તય કર લેગા કી આપકા ક્યા કરના હૈ.' સમગ્ર નિષ્ણાત માર્ગદર્શન પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે આરોગ્ય, શારીરિક સજ્જતા અને શૈક્ષણિક બાબતોને આવરી લેતું એક સચોટ રોડમેપ પૂરું પાડે છે.