11 વર્ષ પૂર્વે એક વ્યક્તિની હત્યા અને બીજાની હત્યાનો પ્રયાસ કર્યાના કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો મોરબી: હળવદના જુના દેવડિયા ગામે વર્ષ 2014માં થયેલા એક ચકચારી હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં મોરબીની કોર્ટે બે આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો જાહેર કર્યો છે. આ કેસની વિગત અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનમાં રંજનબેન લક્ષ્મણભાઈ વાળાએ તા. 05/08/2014ના રોજ બે આરોપીઓ રાજેશભાઈ ઉર્ફે મુન્નો મનજીભાઈ પટેલ અને સુધીરભાઈ પંકજભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી રાજેશ પટેલે અગાઉ ફરિયાદીની પુત્રી કાજલબેનને ભગાડી જવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તે સફળ ન થતાં મનદુઃખ રાખીને બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હતું. બંને આરોપીઓએ એકસંપ થઈને કાવતરું રચ્યું હતું અને છરી તથા મરચાનો પાવડર લઈને ફરિયાદીના ઘરે ધસી ગયા હતા.ત્યાં આરોપીઓએ ફરિયાદી રંજનબેન અને તેમના પતિ પર મરચું પાવડર ઉડાડી, ગાળો આપી અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીના પતિ લક્ષ્મણભાઈ મોરવાડીયાને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે તેમને છોડાવવા વચ્ચે પડેલા ભરતભાઈ મગનભાઈ મોરવાડીયા (ઉં.વ. 30) ને પણ જીવલેણ ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.આ કેસ મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં કોર્ટે જિલ્લા સરકારી વકીલ વિજય જાની દ્વારા રજૂ કરાયેલ પુરાવા અને દલીલોના આધારે ઉપરોક્ત બંને આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને આજીવન કારાવાસ અને રૂ. 35,000 દંડની સજા ફટકારી છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વિજય જાની રોકાયેલ હતા.