હાલમાં મોરબીની સરકારી કચેરીઓ અને ખાનગી કનેક્શન મળી માંડ 170 ડબલા ચાલુ, વાંકાનેરમાં 60 કનેક્શન એક્ટિવેટમોરબી : એક સમય હતો કે જ્યારે ઘરમાં લેન્ડલાઈન ફોન સ્ટેટ્સ સિમ્બોલ ગણાતો હતો. લેન્ડ લાઇન ફોનને લઈ ભારતીય સિનેમા જગતમાં પણ મશહૂર ગીતો લખાયા છે જે પૈકીનું એક ગીત 1949માં નિર્માણ થયેલ ફિલ્મ પતંગામાં મેરે પિયા ગયે રંગુન વહાસે આયા હૈ ટેલિફુન આજે પણ સંભળાય રહ્યું છે. જો કે, આજના મોબાઈલ યુગમાં હવે લેન્ડલાઈન ફોન મૂંગા થઈ ગયા છે. મોરબી જીલ્લામાં છેલ્લા છ વર્ષમાં જ બીએસએનએલનો સુવર્ણ યુગ આથમી ગયો છે. જિલ્લામાં 18500થી વધુ કનેક્શન પૈકી હવે માત્ર 230 કનેક્શન જ ચાલુ છે જેમાં મોટાભાગના સરકારી કચેરીઓમાં ચાલુ છે.દેશમાં મોબાઈલ ફોનની આધુનિક ટેકનોલોજીના આગમન બાદ સિરામિક નગરી મોરબીમાં છેલ્લા છ વર્ષમાં જ બીએસએનએલની માઠી દશા બેઠી છે. એક સમયે ટેલિફોન કનેક્શન માટે સાંસદ, ધારાસભ્યના ભલામણ પત્ર લખવા પડે તેવી સ્થિતિમાં હાલમાં સમગ્ર જિલ્લામાં માત્રને માત્ર 230 લેન્ડલાઈન કનેક્શન ચાલુ રહ્યા છે. મોરબી બીએસએનએલ કચેરી પાસે 20 હજાર કનેક્શનની ક્ષમતા સામે 18500થી વધુ કનેક્શન આપવામાં આવ્યા હતા. જો કે, મોબાઈલનો ઉપયોગ વધતા હાલમાં મોરબીના 170 અને વાંકાનેરમાં 60 કનકેશન મળી 230 કનેક્શન ચાલુ છે. જેમાં મોટાભાગના સરકારી કચેરી અને સંસ્થાકીય કનેક્શન જ ચાલુ હોવાનું સામે આવ્યું છે.એક સમયે મોરબી જિલ્લામાં 33 ટેલિફોન એક્સચેન્જ ચાલુ હતામોરબી બીએસએનએલ કચેરીના નિવૃત કર્મચારી એ.કે.ઠોરિયા જણાવે છે કે, એક સમયે મોરબીના બીએસએનએલનો સિતારો બુલંદ હતો.પરંતુ સમય જતાં બીએસએનએલનું અસ્તિત્વ ખતમ થયું છે. એક સમયે જિલ્લામાં 33 એક્સચેન્જ કાર્યરત હતા જેમાંથી હાલમાં મોરબી અને વાંકાનેરમાં બે એક્સચેન્જ જ ચાલુ છે. સાથે જ બીએસએનએલ કચેરીમાં 160 લોકોનો સ્ટાફ હતો જે પૈકી કર્મચારીઓ નિવૃત થતા ગયા અને હાલમાં માત્ર આઠ જ કર્મચારી છે જેમાં બે ક્લાર્ક, બે ટેક્નિકલ અને 2 પ્યુન સહિતનો સ્ટાફ રહ્યો છે.મોરબી જિલ્લામાં 2021થી 2024માં વધુ કનેક્શન બંધ થયામોરબી બીએસએનએલ કચેરીમાં જુનિયર ઈજનેર મનોજ અઘારાએ જણાવ્યું હતું કે, સિરામિક ઉદ્યોગને કારણે મોરબી જિલ્લામાં એક સમયે લેન્ડલાઈન ફોનની ખૂબ જ ડિમાન્ડ હતી. મોરબી જિલ્લામાં અંદાજે 18500થી વધુ લેન્ડલાઈન કનેક્શન હતા પરંતુ સમયાંતરે નવી મોબાઈલ ટેકનોલોજીનો આવિષ્કાર થતા લોકો હાથવગા સાધન એવા મોબાઈલનો ઉપયોગ કરતા થતા લેન્ડલાઈન કનેક્શન મોટા પ્રમાણમાં રદ થયા છે. ખાસ કરીને 2019થી કનેકશનો રદ થવાનું શરૂ થયા બાદ વર્ષ 2021થી 2024 સુધીમાં અનેક કનેક્શન રદ થતા હાલમાં માત્ર 230 જેટલા જ લેન્ડલાઈન ફોન ચાલુ હોવાનું તેમને ઉમેર્યું હતું.બીએસએનએલના પ્રાઇવેટ ભાગીદારીના 1200 ફાયબર કનેક્શન ચાલુમોરબી જિલ્લામાં બીએસએનએલ દ્વારા હાલમાં ખાનગી કંપની સાથે 60 : 40ની ભાગીદારીમાં 1200 જેટલા ઈન્ટરનેટ માટેના ફાયબર કનેક્શન આપવામાં આવ્યા છે.જે હાલમાં કાર્યરત છે.જો કે, સમય સાથે તાલ મિલાવી કેન્દ્ર સરકારે બીએસએનએલને પણ અધિનિકતાના વાઘા પહેરાવ્યા હોત તો બીએસએનએલનું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે મોરબીમાં જ નહીં બલ્કે દેશભરમાં નંબરવનના સ્થાન પર ઉભું હોત.બીએસએનએલમાં 35 પૈકી 4 ટાવર બંધ, પંચાયતમાં ફાયબર કનેક્શન પણ બંધબીએસએનએલના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં મોબાઇલક્ષેત્રે ગળાકાપ હરીફાઈ વચ્ચે પણ બીએસએનએલ પોતાનું અસ્તિત્વ જાળવવા લડાઈ કરી રહ્યું છે ત્યારે ગ્રાહકોને સારું નેટવર્ક આપવા ખાનગી કંપનીઓ મોબાઈલ ટાવર વધારી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં બીએસેનએલના 33 પૈકીના 4 ટાવર બંધ થઈ ગયા હોવાનું તેમજ તમામ ગ્રામ પંચાયતને આપેલ ઈન્ટરનેટ કનેક્ટિવિટીના કનેક્શન પણ હાલમાં ઠપ્પ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.