મોરબી: મહિલાઓની મદદ માટે સતત કાર્યરત રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા મોરબીમાં એક યુવતી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઘરેલું ઝઘડા અને માનસિક તણાવથી કંટાળીને આપઘાત કરવા નીકળી ગયેલી 19 વર્ષની એક યુવતીને 181 અભયમ ટીમે સમજાવી, તેનું કાઉન્સેલિંગ કર્યું અને તેને તેના પરિવારને સહી-સલામત સોંપી હતી.મળતી માહિતી મુજબ તારીખ 13/12/2025 ના રોજ યુવતીના પરિવારે 181 હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી હતી કે તેમની દીકરી ઘરેથી કશું કહ્યા વગર નીકળી ગઈ છે અને આત્મહત્યા કરવા જઈ રહી છે. પરિવારે યુવતીને રસ્તામાં પકડીને રાખી હતી, પરંતુ તે કોઈનું માનતી નહોતી અને મોટા અવાજે બોલીને આપઘાત કરવાની જીદ કરી રહી હતી.આ કોલ મળતા જ 181 કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શારદાબેન અને પાયલોટ મહેશભાઈ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક વાતચીત અને સંવેદનશીલ કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે તેના માતા-પિતા મજૂરી કામ કરતા હોય, તેઓ મજૂરી કામે ગયા હતા ત્યારે નાની બહેન સાથે ઘરકામ બાબતે ઝઘડો થયો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે ઘરમાં બધા સભ્યો તેની સાથે અયોગ્ય વર્તન કરે છે, માનસિક ત્રાસ આપે છે, અપશબ્દો બોલે છે, અને નાની બહેનને બધી વસ્તુઓ લઈ આપે છે પણ તેને આપતા નથી. ખાસ કરીને, 'ગાંડી' કહીને સંબોધવાથી કંટાળીને તે આત્મહત્યા કરવા નીકળી ગઈ હતી અને વારંવાર 'મારે મરી જવું છે' તેવું રટણ કરતી હતી.ઘટનાની ગંભીરતા જોઈ 181 ટીમે પરિવારના સભ્યોનું પણ કાઉન્સેલિંગ કર્યું હતું. પરિવારે કબૂલ્યું કે યુવતીને છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારી છે અને તેની દવા પણ ચાલુ છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી તેણે દવા પીવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે નાની બહેને ઊંચા અવાજે વાત કરતા તેને લાગી આવ્યું હતું અને તે ઘરેથી નીકળી ગઈ હતી.181 ટીમે યુવતીના ઘરે જઈ હોસ્પિટલની ફાઈલો તપાસી હતી અને પરિવારને સખત સમજાવટ આપી હતી. ટીમે પરિવારને યુવતી સાથે અયોગ્ય વર્તન ન કરવા, સમયસર સારવાર ચાલુ કરાવવા અને દવા આપવા અંગે લાંબી સમજૂતી આપી તેમજ કાયદાકીય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. અંતે, યુવતીને તેના પરિવારજનોને સહી-સલામત સોંપવામાં આવતા પરિવારે અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.