મોરબી: મોરબીના ખાખરેચી ક્લસ્ટરમાં તા. 13 ડિસેમ્બર ને શનિવારના રોજ ખાખરેચી કન્યા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટરની તમામ પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે સી.આર.સી. વિદાય અને સત્કાર સમારોહનું સ્નેહસભર વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ સી.આર.સી. જયેશભાઈ ગઢીયાને કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક તરીકે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં નિમણૂક મળતા તેમનો ભાવપૂર્ણ વિદાય સમારોહ યોજાયો, તેમજ નવનિયુક્ત સી.આર.સી. કાનજીભાઈ બોરીચાનો સત્કાર કરવામાં આવ્યો.આ સમારોહમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, માળીયા તાલુકાના બી.આર.સી. મહેન્દ્રભાઈ રાઠોડ અને માળીયા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો અને બંને સી.આર.સી.નું આચાર્યો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. નવનિયુક્ત સી.આર.સી. કાનજીભાઈ બોરીચાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું, જેમણે પોતાના ઉદ્બોધનમાં શ્રેષ્ઠ કર્મ કરવા પર પ્રેરક વાત કરી હતી.વિદાય લઈ રહેલા સી.આર.સી. જયેશભાઈ ગઢીયાનું માળીયા બી.આર.સી., નવનિયુક્ત સી.આર.સી. કાનજીભાઈ બોરીચા તેમજ ખાખરેચી ક્લસ્ટરની તમામ શાળાઓના આચાર્યો દ્વારા સંયુક્ત રીતે શાલ ઓઢાડી, નાળિયેર અને મોમેન્ટો સાથે સન્માનપત્ર ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમના ઉત્તમ સેવાકાળ અને કાર્યશૈલીને સૌએ ઉષ્માભેર બિરદાવી હતી. કુંભારીયા પ્રાથમિક શાળાના આચાર્ય વિનુભાઈ કૈલાએ જયેશભાઈના સરળ સ્વભાવની વાત કરી, જ્યારે બી.આર.સી. મહેન્દ્રભાઈ રાઠોડએ તેમની સહકારથી કાર્ય કરવાની શૈલીની પ્રશંસા કરી હતી.મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલે જયેશભાઈની સકારાત્મક કાર્યશૈલીને બિરદાવી તેમને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે માળીયા તાલુકાના શિક્ષકોની એકતા અને સંગઠન શક્તિને મહત્ત્વ આપી સંઘની કાર્યક્ષમતા પર ભાર મૂક્યો હતો. અંતે, વિદાય લેતા સી.આર.સી. જયેશભાઈ ગઢીયાએ ભાવુક થઈને પોતાના કાર્યકાળ દરમિયાન મળેલા આચાર્યો અને શિક્ષકોના નિષ્ઠાપૂર્ણ સહકાર, એકતા અને પરિવારભાવની લાગણી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના અંતે ખાખરેચી હાઈસ્કૂલના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ સન્માનપત્રનું વાંચન કરી જયેશભાઈની સરળતા અને કાર્ય પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી સૌનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વેજલપર પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ દેલવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેને સફળ બનાવવા ક્લસ્ટરના આચાર્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ બાદ સૌએ સ્નેહભાવ સાથે ભોજન લઈ વિદાય લીધી હતી.