મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાના 100 વર્ષની પાવન ઉજવણીના ભાગરૂપે, સંઘ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં એક વિશાળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી 14 ડિસેમ્બર, 2025 થી 4 જાન્યુઆરી, 2026 સુધીના 21 દિવસના સમયગાળા દરમિયાન “હર ઘર સંપર્ક અભિયાન” હાથ ધરવામાં આવશે.આ અભિયાન અંતર્ગત, સંઘના સ્વયંસેવકો સૌરાષ્ટ્રભરમાં ઘરે-ઘરે જઈને સંઘના સેવાકાર્ય, રાષ્ટ્રવાદી વિચારધારા અને સામાજિક પ્રવૃત્તિઓ અંગે જનચેતના ફેલાવશે. સંપર્ક દરમિયાન, સ્વયંસેવકો પંચ પરિવર્તનના પાંચ મહત્વના વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ચર્ચા કરશે. જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વ આધારિત જીવન અને નાગરિક કર્તવ્ય બોધનો સમાવેશ કરાયો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ઘરના સભ્યોને રાષ્ટ્રીય પુનર્નિર્માણની પ્રક્રિયામાં સક્રિયપણે જોડવા અને સમાજમાં દેશભક્તિ, સેવા તથા સકારાત્મક મૂલ્યોની સ્થાપના કરવાનો છે. સંઘના 100 વર્ષના આ અવસરે યોજાઈ રહેલું આ અભિયાન એકતા અને સમાજહિતના નવનિર્માણનું પ્રતીક બનશે.