મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલા વિવિધ કલાત્મક મંચો પર અસાધારણ પ્રદર્શન કરીને શાળા અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની આ સફળતાને કારણે નવયુગનું નામ હવે રાજ્ય કક્ષા સુધી ગુંજ્યું છે.તા. 12-12-2025 ના રોજ હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના ચારેય પ્રતિભાગી વિદ્યાર્થીઓએ ટોપ-3 માં સ્થાન મેળવીને શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી. ખાસ કરીને, ભીમાણી પ્રિશા વિપુલભાઈએ ચિત્રકલા સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. જેમાં ગાયન સ્પર્ધામાં ઝાલા સુષ્ટિબા - મોરબી જિલ્લા દ્વિતીય, કાવ્યરચનામાં ગોહિલ પ્રિયા- મોરબી જિલ્લા દ્વિતીય તેમજ વાદન સ્પર્ધામાં ગોરીયા વેદ - મોરબી જિલ્લા તૃતીય તો ચિત્રકલાની સ્પર્ધામાં ભીમાણી પ્રિશાએ મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યું હતું. મોરબી જિલ્લા કક્ષાએ સિદ્ધિઓ મેળવવા ઉપરાંત, જામનગર ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર ઝોન કક્ષા યુવા મહોત્સવમાં પણ નવયુગના વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. અહીં, સમૂહગાન સ્પર્ધા તેમજ સરડવા ધ્વનિની નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી થવાથી શાળાએ રાજ્યભરમાં નામના મેળવી છે.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓની મહેનત, માર્ગદર્શક શિક્ષકોની નિષ્ઠા અને મૂલ્ય આધારિત શિક્ષણ પ્રણાલીના આ પરિણામ બદલ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય માટે આત્મીય શુભેચ્છા વ્યક્ત કરી છે.