ફોર્મ ભર્યા બાદ દોડની પ્રેક્ટિસનો પ્રથમ દિવસ જ યુવાનનો અંતિમ દિવસ બન્યો : મૃતક યુવાનને દોઢ વર્ષનું બાળક, યુવાન હાલ ગેસ પંપમાં નોકરી કરતો હતો, ફ્રી ટાઈમમાં તૈયારી કરી પોલીસ બનવાનું તેનું સ્વપ્ન હતુંમોરબી : મોરબીમાં પોલીસ ભરતી માટે ફોર્મ ભર્યા પછી દોડની પ્રેક્ટિસ કરી રહેલા એક યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ યુવાનને માત્ર દોઢ વર્ષનો પુત્ર હોય તેને પિતાની છત્રછાયા ગુમાવી દેતા ભારે કરૂણાંતિકા સર્જાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા ઉ.વ.25 રાત્રીના સમયે એલઇ કોલેજના ગ્રાઉન્ડમાં દોડ લગાવી રહ્યા હતા. તેઓએ પોલીસ ભરતીમાં ફોર્મ ભર્યું હોવાથી તેઓ રાત્રીના ફ્રી ટાઈમમાં દોડની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ વેળાએ હાર્ટએટેક આવી જતા તેમનું મોત નીપજ્યું છે. આ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મૃતકના પિતા નાગદાનભાઈએ જણાવ્યું કે તેમનો એકનો એક પુત્ર હતો. તેને કોલેજ કરી હતી. તેના લગ્ન થયા હતા અને દોઢ વર્ષનો પુત્ર હતો. હાલ તે ગેસ પંપમાં નોકરી કરતો હતો. પોલીસની તૈયારી માટે તેને દોડની પ્રેક્ટિસ તે જ દિવસથી શરૂ કરી હતી. બે રાઉન્ડ માર્યા બાદ તેને ઉલટી થઈ હતી. બાદમાં હોસ્પિટલ લઈ જતા ત્યાં સીડીએ જ તેના શ્વાસ થંભી ગયા હતા.