મોરબી: મોરબીના વતની ભરતભાઈ નાથાભાઈ ડાભીને તેમની સળગી ગયેલી ગાડીના વીમા મામલે ઈફકો ટોકીયો ઈન્સ્યુરન્સ લિમિટેડ સામે મોટી કાનૂની જીત મળી છે. મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અદાલતે વીમા કંપનીને ગ્રાહકને વીમાની રકમ ચૂકવી આપવાનો આદેશ કર્યો છે.આ કેસની વિગત મુજબ, તારીખ 8 ફેબ્રુઆરી, 2024ના રોજ ભરતભાઈની કારનો એક રિક્ષા સાથે સામાન્ય અકસ્માત થયો હતો, જેમાં કારના બોનેટના ભાગે નુકસાન થયું હતું. અકસ્માત બાદ કારને પેટ્રોલ પંપ પાસે પાર્ક કરવામાં આવી હતી, જ્યાં અચાનક બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને કારમાં આગ લાગી ગઈ, જેના કારણે કારને ભારે નુકસાન થયું હતું. ભરતભાઈએ વીમા કંપનીનો સંપર્ક કર્યો અને તમામ પુરાવા આપ્યા, તેમ છતાં ઈફકો ટોક્યોએ 'રેપ્યુડિએટ લેટર' દ્વારા તેમનો દાવો અયોગ્ય ગણાવી વીમો આપવાની ના પાડી દીધી હતી.જે બાદ ગ્રાહક ભરતભાઈ ડાભીએ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં ન્યાય માટે અરજી કરી. ગ્રાહક અદાલતે નોંધ્યું હતું કે વીમા કંપનીએ ગ્રાહક પાસેથી 'રીટર્ન ટુ ઇન્વૉઇસ' પ્રીમિયમ લીધું છે અને પ્રીમિયમ નિયમિત ભરવામાં આવ્યું છે. તેથી ગ્રાહક અદાલતે વીમા કંપનીને ફરિયાદીને રૂપિયા 12,08,565/- તારીખ 19-11-2024થી 6%ના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, વીમા કંપનીએ ગ્રાહકને ખર્ચ પેટે રૂપિયા 5,000/- પણ ચૂકવવાના રહેશે. જો વીમા કંપની બે મહિનાની સમયમર્યાદામાં આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેમણે 9%ના વ્યાજ સાથે ચૂકવણી કરવી પડશે.