શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા ટ્રાફિક શાખાને વધુ જવાનો ફાળવાયા : અન્ય ત્રણ પોલીસ કર્મીની માળિયા બદલીમોરબી : મોરબીમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ત્યારે આ સમસ્યા ઉકેલવા જિલ્લા પોલીસ વડા દ્વારા હેડક્વાર્ટરના 13 જેટલા પોલીસ કર્મીઓની ટ્રાફિક શાખામાં બદલી કરી છે. જેથી ટ્રાફિક શાખામાં સ્ટાફની ઘટની સમસ્યા પણ નિવડી શકે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં ટ્રાફિકના 36 પોઇન્ટ છે તેમાંથી 20 પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે. હાલ ટ્રાફિક શાખા પાસે 55ની બદલે 36 પોલીસ કર્મીઓનો સ્ટાફ છે. જેમાં 20 જવાનો પોઇન્ટ ઉપર ફરજ બજાવે છે. અન્ય ચેકીંગ સહિતની કામગીરીમાં રોકાયેલ હોય છે. આમ ટ્રાફિક શાખામાં સ્ટાફની ઘટ નિવારવા જિલ્લા પોલીસ વડાએ હેડક્વાર્ટરના 16 જેટલા પોલીસકર્મીઓની એકસાથે બદલી કરી છે. જેમાંથી 13 પોલીસકર્મીઓને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે.હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઈ કમલેશભાઈ ગરાસીયા, અશોકભાઈ ચૌધરી, વનરાજસિંહ બાબરીયા, હેડ કોન્સ્ટેબલ ચકુભાઈ કરોતરા, સમરથસિંહ ઝાલા, યોગેશભાઈ સગર, જોરૂભા રાઠોડ, સંજયભાઈ મૈયડ તેમજ કોન્સ્ટેબલ વિપુલકુમાર ડાંગર, લલિતકુમાર પરમાર, રવિભાઈ કીડીયા, ઇકબાલભાઈ સુમરા, તેજપાલસિંહ ઝાલાની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ છે. જ્યારે એએસઆઈ રવિરાજસિંહ ઝાલા અને સંદીપકુમાર રાઠવા તથા હેડ કોન્સ્ટેબલ મનીષકુમાર બારૈયાની માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.