મોરબી: મોરબી ક્રાઈમ બ્રાન્ચ (LCB)/પેરોલ ફર્લો સ્કવોડને 10 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2015માં નોંધાયેલા ત્રણ અલગ-અલગ ઘરફોડ ચોરીના ગુનાઓમાં આરોપી જફરૂદીન કમરૂદીન મેવ છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો. જેને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચના માણસો હ્યુમન સોર્સિસ, ટેકનિકલ માધ્યમ અને ખાનગી હકીકત દ્વારા આરોપીનું પગેરું મેળવતા જાણવા મળ્યું હતું કે તે હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના સિહોર જિલ્લાના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇશારપુર ખાતે રાજેશ ચૌહાણની વાડીએ છુપાયેલો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ત્યાં તપાસ કરતા આરોપી જફરૂદીન કમરૂદીન મેવ(મૂળ રાજસ્થાન વતની)સ્થળ પર મળી આવ્યો હતો. 10 વર્ષથી નાસતા ફરતા આ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.