મહાપાલિકા અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંયુક્ત ઝુંબેશ : 100થી વધુ લોકોએ કર્યું શ્રમદાન : 30 ટન જેટલા કચરાનો નિકાલ કરાયો હોવાનો દાવોમોરબી: મોરબીમાં 'શ્રમદાન ફોર મોરબી' અંતર્ગત નવલખી રોડ પર રેલવે ફાટકથી લઈને હાઇવે સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રોડની બંને બાજુની સફાઈ કરવામાં આવી હતી અને રોડ પરની ધૂળને દૂર કરવા માટે બ્રશ અને અન્ય વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા ગ્રુપ, વિસ્તારના નાગરિકો અને બાળકો સહિત 100થી વધુ લોકો જોડાયા હતા, જે દર્શાવે છે કે સ્વચ્છતાનું ખાસ્સું સારું કામ થયું છે. જેમાં અંદાજિત 30 ટન જેટલા કચરાનો નિકાલ કરાયો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે ડસ્ટની સમસ્યા હળવી કરવા માટે તમામ કામદારોને બ્રશ અને સૂપડાં આપવામાં આવ્યા છે, જેથી તેઓ ડસ્ટને સાફ કરીને હેન્ડકાર્ટ દ્વારા સીધો ટ્રેક્ટરમાં નિકાલ કરી શકે. કામદારોને આ માટેની વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે.વધુમાં જણાવ્યું હતું કે 'શ્રમદાન ફોર મોરબી' કાર્યક્રમ હવે દર બે અઠવાડિયે યોજાશે, જેમાં વિવિધ વિસ્તારોને આવરી લેવાશે. અગાઉ ત્રાજપર રોડનો વિસ્તાર આવરી લેવાયો હતો. જે વિસ્તારોમાં હજુ સુધી શ્રમદાન થયું નથી, તે તમામને કવર કરવાનું તંત્રનું લક્ષ્ય છે. ગુરુવારના શ્રમદાન ઉપરાંત, મંગળવારે પણ દરેક એસએસઆઇ (SSI) પોતાના ક્લસ્ટરમાં સ્વચ્છતા અભિયાન ચલાવે છે.મોરબીમાં 200 સફાઈ કામદારો માટેનું ટેન્ડર કરવામાં આવ્યું હતું અને તમામે તમામ કામદારો મળી ગયા છે. જોકે, ડ્રેનેજના કામદારોની થોડી ઘટ્ટને ધ્યાને રાખીને આગામી સમયમાં કાર્યવાહી કરાશે. હાલ મેજર વિસ્તારો સવારના હાફમાં અને મેઇન રોડ્સ બપોરના હાફમાં જૂથ સફાઈ દ્વારા કવર કરવામાં આવે છે.સ્વપ્નિલ ખરેએ તમામ નાગરિકો અને વેપારીઓને આગ્રહ કર્યો છે કે, ડોર ટુ ડોરનું કવરેજ 100% છે અને ગાડીઓ નિયમિતપણે પહોંચે છે. તેથી, કચરો દુકાન કે ઘરની બહાર રોડ પર ન નાખવા અપીલ કરી છે. પોતાનો કચરો ડોર ટુ ડોરની વહીકલમાં જ આપવો અને દુકાન કે ઘરની સામેના વિસ્તારમાં સફાઈ જાળવવામાં સહયોગ આપવા જણાવાયું છે. ખાસ કરીને નાની-મોટી લારીઓ કે પાણીની વ્યવસ્થાથી થતા પબ્લિક ન્યુસન્સ ટાળવા અને ચિપ્સ કે ચોકલેટ જેવી વસ્તુઓનો વેપાર કરતા લોકોએ વેસ્ટનો પ્રોપર નિકાલ કરવાની જવાબદારી લેવા જણાવ્યું છે.તંત્ર દ્વારા 100 ડસ્ટબિન્સ ખરીદી કરીને વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવી છે. લાલબાગની દીવાલ નજીક ચાલુ કરાયેલા હોકર ઝોન સહિત તમામ હોકર ઝોનમાં પણ ડસ્ટબિન મૂકવામાં આવી છે. જૂના ડસ્ટબિન્સને મેટલના ડસ્ટબિન્સથી બદલવામાં આવ્યા છે, જેનાથી ડેમેજ થવાની શક્યતા ઓછી છે.