પ્રથમ સેવા પછી આકારણી ત્યારબાદ ટેક્સ: પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ મોરબી: જય મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી અને સતવારા નવગામ જ્ઞાતિ મોરબીના સતવારા સમાજ (મુળ મોરબીવાસીઓ) દ્વારા માધાપર-વજેપર વાડી વિસ્તારના રહેવાસીઓને મૂળભૂત નાગરિક સુવિધાઓ ન મળવા છતાં વસૂલવામાં આવતા મકાન-વેરા, સફાઈ-વેરા અને ગટર-વેરા સામે સખત વિરોધ દર્શાવીને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમાજના અગ્રણી ઈશ્વરભાઈ કંજારીયાએ જણાવ્યું હતું કે, મોરબીમાં રાજાશાહી કાળથી વસતા સતવારા સમાજની વસ્તી 50 થી 60 હજારની છે અને વાડી વિસ્તારમાં અંદાજિત 120 વાડીઓ આવેલી છે. આ વિસ્તાર મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ થયા હોવા છતાં છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી અહીંના રહેવાસીઓને પાયાની સુવિધાઓ જેવી કે પાકા રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, નિયમિત પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ, અને સાફ-સફાઈની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી નથી.તેમનો મુખ્ય મુદ્દો 'Beneficial Enjoyment Principle' પર આધારિત છે, એટલે કે જ્યાં સુધી સમાજને ઉપયોગી સુવિધા ન મળે ત્યાં સુધી વેરો વસૂલવો વ્યાજબી નથી.આવેદનમાં મુખ્ય માંગણી કરાઈ છે કે આજદિન સુધીના તમામ મકાન-વેરો, સફાઈ-વેરો, ગટર-વેરો તથા દંડનીય વ્યાજની નોટિસો તાત્કાલિક રદ કરવી અને પાછી ખેંચવી. તેમજ વાડી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવી. આ સાથે સુવિધાઓ પૂરી પાડ્યા બાદ જ રહેવાસીઓની હાજરીમાં, કાયદેસરની પ્રક્રિયાથી, પારદર્શક પદ્ધતિથી મિલ્કતની વાસ્તવિક આકારણી કરવી અને તે મુજબ જ નવેસરથી વેરાની રકમ નક્કી કરવી.આ ઉપરાંત નવી આકારણી થાય અને સુવિધાઓ શરૂ થાય તે તારીખથી જ વેરો લાગુ કરવો – પાછલા વર્ષોનો કોઈ ટેક્સ કે વ્યાજ ન લેવું. વાડી વિસ્તારોને 'Urban Village' અથવા 'Special Category Area' જાહેર કરી રાહત દરે વેરો નક્કી કરવો. અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની વસુલાત કે જમીની કાર્યવાહી ન કરવી.ઈશ્વરભાઈ કંજારીયાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'અમને 2008થી વેરાની પહોંચ આપવામાં આવી છે, પરંતુ આજ દિવસ સુધી એક પણ વાડી વિસ્તારમાં પૂરતી સુવિધા આપવામાં આવી નથી. પહેલા સુવિધાઓ આપો પછી જ વેરા ભરવામાં આવશે ત્યાં સુધી વેરા ભરવામાં નહીં આવે.' સમાજ દ્વારા ટપાલ સેવા અંગે પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે વેરાની પહોંચ ઘેર પહોંચતી હોય તો અન્ય સરકારી ટપાલ કેમ નથી પહોંચતી. સતવારા સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.